હે મારી હૂંડી સ્વીકારો મહારાજ રે, શામળા ગિરધારી..
તમારે પણ મારી જેમ શામળિયાને હૂંડીની અરજ કરવી હોય તો અરવલ્લીની ગિરિમાળામાં બિરાજતા, મેશ્વો નદીનાં કિનારે આસન ગ્રહણ કરેલા મારા શામળિયાને જરૂર મળી આવજો. પુરાણોમાં ગદાધાર ક્ષેત્ર તરીકે ઓળખાતા શામળાજીનું મંદિર ભગવાન કૃષ્ણનાં શામળશા શેઠ નામ પરથી પડ્યું છે. વડોદરાથી 215 kms અને અમદાવાદથી 135 kms દૂર આવેલું છે.
હું હમણાંજ જઇ આવી શામળાજી, કોરોના નાં લીધે ભીડ જરાય નહોતી એટલે શાંતિથી શામળિયાને નિહાળવાનો મોકો મળ્યો. મારો અહીંયાનો અનુભવ ખૂબ સરસ રહ્યો,
* અહીંયાનાં મંદિરની દીવાલો પર દેવીદેવતાની મૂર્તિઓ, ફુલવેલની આકૃતિઓ, પ્રાણીઓની આકૃતિઓ ખૂબ સરસ રીતે કંડારેલી છે. મહાભારત અને રામાયણના પ્રસંગો પણ
શિલ્પશ્રેણીઓમાં જોવા મળે છે. અહીંયા શંકર ભગવાન અને સર્વમંગલા દેવીનું મંદિર પણ છે.
* શામળાજી ને કલાક સુધી ત્યાં બેસીને બસ નિહાળ્યા, ઘણી વાતો કરવાની હતી, ઘણી વસ્તુઓનો આભાર માનવાનો હતો એ માન્યો અને કીધું કે આ ગુજરાતીમાં લખવા માટે મને એવી વાચા આપજે કે ગુજરાતીઓ ફરી એક વાર ગુજરાતી ભાષાનાં પ્રેમમાં પડે.
* ધોળી ફરકાતી ધજાઓ નિહાળી.
* ત્યાં અંદર જ એક વાવ પણ છે, ત્યાં કોઈ જતું નહોતું પણ હું છેક નીચે સુધી વાવ પણ જોઈ આવી, ત્યાં ખંડિત પ્રતિમાઓ પણ છે અને ખૂબ જૂનું પાણી છે.
* મંદિરની બહાર એક સુંદર વડલો છે, એના નીચે થોડી વાર બેઠી અને બધાને નિહાળ્યા.
* અહીંયા દર વર્ષે કારતકી પૂર્ણિમાનાં દિવસે મેળો ભરાય છે, જે 3 અઠવાડિયા ચાલે છે. એ મેળામાં આદિવાસીઓ મોટી સંખ્યામાં આવે છે અને ત્યારે મેશ્વો નદીમાં સ્નાન કરવાનું
વિશેષ મહત્વ છે. પેલું ગીત બધાને ખબર હશે, શામળાજી ને મેળે રણઝનીયું રે રણઝનીયું..
* કહેવાય છે પ્રાચીનકાળની આ સત્યવાદી રાજા હરિષચંદ્રની નગરી હતી, અહીંયા હજુ તેમના લગ્નમંડપની ચોરી પણ હયાત છે એ જોવા જઇ શકાય છે.
* ત્યાંથી નજીકમાં શ્યામલ વન પણ આવેલું છે જે જંગલખાતા દ્વારા બનાવામાં આવેલું સુંદર પર્યટક સ્થળ છે.
* અહીંયા દેવની મોરીમાં બુધ્ધ સંપ્રદાયનાં અવશેષો પણ મળી આવેલ છે.
* શામળાજી નો ઇતિહાસ ખૂબ રસપ્રદ અને ગહન છે, અહીંયા વર્ણવિશ તો ખૂબ લાબું લખાણ થઈ જશે પણ તમને ઇતિહાસમાં રસ હોય તો આ જગ્યા પર જતાં પહેલાં વાંચીને જજો.
મને આ જગ્યા અવિસ્મરણીય લાગી, શામળીયા સાથે પોતીકાપણાનો એહસાસ થયો. હું તો કહું છું કે તમે પણ એકવાર હૂંડીનો પ્રસ્તાવ મૂકી આવો.
ખાસ નોંધ – આવો અનુભવ કરવા માટે 3 થી 4 કલાક ત્યાં શાંતિથી બેસજો, ઉભા ઉભા દર્શન કરી લઈએ રસ્તામાં આવે છે તો જો આ રીતે જશો તો કદાચ આવો અનુભવ નઈ થાય. અને હાથ જોડીને એક મહેરબાની કરું છું કે કચરો જ્યાં ત્યાં નાખશો નહીં, મારા શામળિયાને ચોખ્ખું આંગણું વધારે પ્રિય છે.
તમારે મારી આ જગ્યાનાં ફોટા જોવા હોય તો નીચેની લિંક પર ક્લિક કરીને જોઈ શકશો.
ફોટા- Click Here
વિડિઓ સ્ટોરીઝ – Click Here
આવી જ બીજી હરવા ફરવાની વાતો કરતી રહીશ.
ખૂબ પ્રેમ સાથે,
પંક્તિ