મારી ઋષિકેશની સોલો ટ્રીપ પછી હું એક વિક રોનક (મારા છેલાજી) સાથે ડેલહાઉસી ફરી આવી. ડેલહાઉસી હિમાચલ પ્રદેશમાં આવેલું નાનકડું હિલ સ્ટેશન છે. નજીકના એરપોર્ટ પઠાણકોટ અને ધર્મશાળા છે. કેહવાય છે કે બ્રિટિશ શાસન દરમ્યાન ત્યાં બ્રિટિશ ઓફિસરો ઉનાળાનું વેકેશન કરવા આવતા હતા એટલે બ્રિટિશ વાઇસરોય લોર્ડ ડેલહાઉસી પરથી આ જગ્યાનું નામ ડેલહાઉસી પડ્યું છે. ડેલહાઉસીમાં હિમાલયની ધૌલધાર પર્વતમાળા રેન્જ લાગે છે.
ડેલહાઉસી એજ્યુકેશન હબ તરીકે પણ ગણાય છે, અહીંયા ઘણી સારી બોર્ડિંગ સ્કૂલો પણ આવેલી છે જ્યાં આજુબાજુ ની જગ્યાથી વિદ્યાર્થીઓ ભણવા આવે છે. અહિયાનું વાતાવરણ ઉનાળામાં રમણીય, શિયાળામાં એકદમ ઠંડું એટલે કે ઘણી જગ્યાએ સ્નોફોલ પણ હોય છે. હનીમૂન કરવા માટે પણ અહીંયા ઘણા કપલ આવે છે અને એના સિવાય ઘણા મુવીના શુટિંગ પણ અહીંયા થાય છે.
અમે ડેલહાઉસીમાં Fortune Park Hotel માં રોકાયા હતા. એ હોટલની ડિટેઇલ્સ પણ બીજી પોસ્ટમાં આપીશ. અમે બધા દિવસ ફરવા માટે કાર નક્કી કરી હતી, અમારા ડ્રાઈવર અને ગાઇડ અમિત ભાઈ હતા જેને અમને બઉ મસ્ત ફરાવ્યાં. ત્યાંનો અમારો અનુભવ કંઈક આવો રહ્યો,
* અમે એક દિવસ દૈકુંડ પીક પર ટ્રેકિંગ કર્યું, 10kms ના એ ટ્રેકિંગમાં મજા પડી ગઈ. ઉપર નાનકડું મંદિર છે, સૂર્યાસ્તના સમયે કુદરતના અલગ જ રંગો જોયા. સાંજે અંધારું થઈ જતા તારાને જોતા જોતા બરફ માં ચાલીને નીચે ઉતારવાની એક અલગ જ મજા કરી, તમે આ ટ્રેકિંગ કરો તો બરફમાં ચાલવાના શૂઝ ખાસ લેજો નહીતો ત્યાં નીચે ભાડા પર પણ મળે છે,
* ખજીયાર મીની સ્વિટ્ઝર્લેન્ડ તરીકે પણ જાણીતું છે, ત્યાં અમે નેચર વોક કર્યું, કુદરતને નિહાળતા નિહાળતા મેગી ખાધી, ચા પીધી. ફોટોગ્રાફી કરતા બધાના ચેહરા પરની ખુશી અનુભવી,
* પંચપુલામાં સુસવાટાબંધ પવન અનુભવ્યો, ત્યાં ઝીપ લાઇન ક્રોસિંગ એકટીવીટી અને બીજી એડવેન્ચર એક્ટિવિટી થાય છે પણ એ અમે નહોતી કરી પણ બીજાને કરતા જોયા,
* ડેલહાઉસીમાં એક બઉજ મોટું ચમેરા લેક આવેલું છે, ત્યાં સ્લો બોટિંગ અને સ્પીડ બોટિંગ થાય છે. અમે પેહલા સ્લો બોટિંગ કર્યું અને પછી અમિત ભાઈની બીક દૂર કરવા સ્પીડ બોટિંગ પણ કર્યું, ત્યાં વચ્ચે પાણીમાં બઉ કચરો પણ આવ્યો એ જોઈને હું ગુસ્સે પણ થઈ અને બોટિંગ પોઇન્ટ પાસે આટલા બધા ફૂલોના ફોટા પાડ્યા,
* એક દિવસ અમે ભલેઈ માતા એટલે કે ભદ્રકાળી માતાના મંદિરે દર્શન કરવા ગયા, ઊંચાઈથી નીચેનો વ્યૂ જોયો અને બધાનું ભલું થાય એવી માતાજીને પ્રાર્થના કરી,
* ગાંધી ચોકમાં તંદુરી ચા પીધી, ગરમાગરમ ગુલાબજાંબુ ખાધા અને મારા ફેવરિટ મોમોઝ ખાધા,
* માલ રોડ શોપિંગ માટે પ્રખ્યાત છે ત્યાં નાનકડી શોપિંગ માર્કેટ છે ત્યાંથી યાદગીરી માટે થોડું શોપિંગ કર્યું,
* મારે પહાડી ઘર જોવું હતું એટલે એક દિવસ અમે અમિત ભાઈના ઘરે પણ ગયા અને પહાડી કલચર થોડું સમજ્યા.
તો આવી હલકી ફુલકી હતી અમારી ડેલહાઉસી ટ્રીપ, જેમાં અમે ફર્યા ઓછું અને આરામ વધારે કર્યો, વાતો ઓછી કરી અને અનુભવ વધારે કર્યા, બિઝનેસ ડેવલપમેન્ટની વાતો કરી, પર્વતને જોતા જોતા ઓફીસનું કામ કર્યું અને મસ્ત ફ્રેશ થઈને પાછાઆવ્યા. તમને આવી જગ્યાઓ ગમતી હોય તો એકવાર જઈ આવજો, ત્યાંથી ધર્મશાળા પણ નજીક છે એ પણ જઈ શકાય એવું છે.
ખાસ નોંધ: તમે જે સમયે જાઓ એ પ્રમાણે ઠંડીના કપડાં અને શૂઝ લઈ જવાનું ના ભૂલતા. એક બે જગ્યા ઓછી ફરાય તો વાંધો નઇ પણ જે ફરો એ સરસ અને શાંતિથી ફરજો. જ્યાંત્યાં કચરો ફેંકીને આપણાં ગુજરાતીનું નામ ખરાબ ના કરતા નહીતો કોઈ કેહશે આ ગુજરાતીઓ તો બઉ ગોબરા હોય છે, કચરો કચરાપેટીમાં નથી નાખતા એટલે ખાસ ધ્યાન રાખજો.
ફોટા- Click Here
વિડિઓ સ્ટોરીઝ – Click Here
આવી જ બીજી હરવા ફરવાની વાતો કરતી રહીશ.
ખૂબ પ્રેમ સાથે,
પંક્તિ