મારી બનાસકાંઠા ટ્રીપ દરમ્યાન હું પાલનપુર પાસે આવેલા જગાણા ગામમાં રશ્મિનના ઘરે રોકાઈ હતી. ગલબીબાઈ એટલે રશ્મિનનાં બા અને જમનાબાઈના સાસુ. હું ગલબી બાઈના બધા દિકરા, વહુ અને આખા ફેમિલી ને મળી, જ્યારે હું એમને મળવા ગઈ ત્યારે મારો અનુભવ કંઈક આવો રહ્યો,

* ગલબી બાઈની ઉંમર 70 થી વધારે છે, એમના ચાર દીકરા વહુ હોવા છતાં એ એકલા રહે છે, મને પહેલા એ સવાલ સતાવતો હતો કે એ એકલા કેમ રહેતા હશે, બધાની સાથે ના રહી શકે? એમને મળ્યા પછી મને એ વાતનો જવાબ મળ્યો, ગલબી બાઈએ કીધું એમને એકલા રેહવું ગમે છે, જે ઈચ્છા થાય એ કરવાનું, જે મન થાય એ બનાવીને ખાવાનું અને પાછલી જિંદગી પોતાની રીતે જ જીવવાની એક મજા છે. અને દીકરા વહુ બધા આજુ બાજુમાં છે તો જ્યારે મન થાય ત્યારે એમના ઘરે જઈ આવાનું.

* ગલબી બાઈ પોતે સ્વાવલંબી જીવન જીવે છે, મસ્ત એકલા રહેવાનું, ઘરનું કામ કરવાનું, ખેતરમાં ચાર વાઢવાની, કુટુંબની એકતાનું સિંચન કરવાનું અને દીકરા વહુને જરૂરિયાત હોય ત્યારે પણ જઇને ઉભા રહેવાનું. હું એમના આખા કુટુંબને મળી તો એમનો ગલબી બાઈ પ્રત્યેનો પ્રેમ અનેરો હતો, ગલબીબાઈ પણ એમના દીકરા વહુના બઉ વખાણ કરતા હતા,

* ગલબીબાઈ ને 150 થી વધારે ભજન આવડે છે, તો એમની પાસે મેં ભજન પણ ગવડાવ્યા, એમને મીરાં બાઈનું સરસ ભજન ગાઈ સંભળાવ્યું અને કીધું ફરી આવજો ત્યારે આપણે ભજન મંડળી બોલાવીશું,

* ગલબીબાઈના ચેહરા પર એક ચમક હતી એ કોઈ ક્રીમ લગાડવાથી નઈ પણ પોતાના કામ જાતે કરવાથી જે સંતોષ મળે એનાથી આવેલી ચમક હતી, એમના શરીરમાં તાકાત હતી એ કોઈ ઓછી ચરબી વાળું તેલ જમવામાં વાપરવાથી નઈ પણ મસ્ત મજાનું તાજું તાજું ઘરનું બનાવેલું ખાવાથી હતી,

* ગલબીબાઈને ભગવાનમાં અતૂટ શ્રદ્ધા છે, જેમ દરેક ઘરમાં શ્રદ્ધાનો એક ગોખલો જરૂર હોય છે એમ મેં પણ એ શ્રદ્ધાનો અનુભવ કર્યો અને દર્શન કર્યા,

તો આવી હતી મારી ગલબીબાઈ સાથેની મુલાકાત, દરેક મુલાકાતની જેમ ફરી આવાના વાયદા સાથે મેં આવજો કર્યું અને એમના આશિર્વાદ લીધા. મારે દરેક જગ્યાએ વસેલા આવા બા ને મળવું છે, એમની સાથે વાતો કરવી છે, એમને સાંભળવા છે અને એમના ફેન બનવું છે.

ખાસ નોંધ: આપણે બધા મોટે ભાગે સેલિબ્રિટીના ફેન થતા હોઈએ છે, જે રોજે અલગ અલગ બ્રાન્ડની વાતો કરે, રોજે મેકઅપ કરેલી સેલ્ફીઓ મૂકે, અંગપ્રદર્શન કરે, આપણાં મેસેજના રીપ્લાય નઈ કરે ખબર હોવા છતાં એમને મેસેજ કરીને સમય બગાડીયે, એ જે સાબુની વાત કરે એ સાબુ એ પોતે વાપરતા નઇ હોય એવી ખબર હોવા છતાં એ સાબુમાં ખર્ચો કરીયે, એમના ફોટા સ્ટેટસ સ્ટોરીમાં મૂકીએ અને જે કદાચ તમને સામે મળી જાય તો ભાવ પણ ના આપે એવી ખબર હોવા છતાં એની પાછળ ઘેલા થઈએ. મારા અનુભવ પ્રમાણે કોઈક દિવસ તમારી આસપાસ રહેતી આવી માવડીઓ, બાઈઓ, બેનો અને માં ને સાંભળજો તો તમે એમના ફેન થઈ જશો અને મારી જેમ સમજાઈ જશે કે આપણે તો સાલું ઘેલા ના થવા જેવું હતું ત્યાં ઘેલા થઈને આપણો કિંમતી સમય બરબાદ કર્યો અને આપણી પોતાની લાગણીનો કચરો કર્યો. આવા બધા પાત્રો સાથે વાતો કરજો અને સાંભળજો પછી મને તમારા અનુભવ કહેજો.

ફોટા- Click Here

વિડિઓ સ્ટોરીઝ – Click Here

આવી જ બીજી હરવા ફરવાની વાતો કરતી રહીશ.

ખૂબ પ્રેમ સાથે,
પંક્તિ

Pankti Shah - Author

ફરવું બધાને જ લગભગ ગમતું હોય છે, પણ બધા ફરી ના શકે એવું એમને લાગતું હોય છે. એવું ઘણીવાર મેં સાંભળ્યું છે કે હું નસીબદાર છું કે હું ફરી શકું છું. પણ નસીબ અને ફરવાને કઈ લાગતું વળગતું નથી. જો આપડે ખરેખર ફરવું જ હોય તો રસ્તા નીકડી જ જાય, અને ટ્રાવેલ કરવા માટે તમે જે કરતા હોય એ છોડવાની પણ જરૂર નથી. તમે કામ ની સાથે સાથે ફરી શકો છો. હું 6 વરસથી ટ્રાવેલ કરું છું, એની સાથે મારો ડિજિટલ માર્કેટિંગ નો Business પણ ચલાવું છું, ઘર પણ સાચવું છું.

You Might Also Like

Enter Your Comments Here..