હું વરસોથી મારા ટ્રાવેલના અનુભવોના વીડિયો બનાવાનું વિચારતી હતી પણ પછી બનાવતી જ નહોતી, કાલે ફાઇનલી મેં 2 વીડિઓ રેકોર્ડ કર્યા અને સ્ટોરીઝ માં પણ સવાલના જવાબ વિડિઓમાં આપ્યા, એટલે કાલે હું મારી પોતાની પર ફિદા હતી તો મેં વિચાર્યું કે એક આટો મારી આવું અને આઈસ્ક્રીમ ખાઈ આવું. હું બાકડા પર બેસીને કોન ખાતી હતી ત્યાં સાઈડમાં એક પાળી પર એક કાકા શાંતિથી બેઠા હતા, મોઢા પર માસ્ક હતું પણ આંખમાં નિરાશા દેખાતી હતી, હું એમને જોતી હતી,
* પછી મેં પૂછ્યું કે કાકા તમારે આઈસ્ક્રીમ ખાવો છે?
* એમને કીધું હા ખાવો છે,
* મેં કીધું કે બીજું કંઈ પણ ખાવું છે? એમને કીધું કંઈપણ ખાવાનું ચાલશે,
* ત્યાં જ ફ્રેંકી મળતી હતી એટલે મેં ફ્રેંકીનો ઓર્ડર આપ્યો અને પછી હું પણ એમની બાજુમાં પાળી પર બેસી ગઈ અને વાતો ચાલુ કરી,
* કાકા તમે અહીંયા કેમ બેઠાં છો? – એમને કીધું આખો દિવસ કામ કરીને થાકું એટલે થોડીવાર અહીંયા બેસું, ભૂખ લાગી હતી પણ હું કોઈ પાસે કંઈ માંગુ નહીં, કોઈ આપે તો ખાઉં નહીતો પાણી પીને સુઈ જાઉં,
* મેં પૂછ્યું તમારા ઘરે કોણ છે? – એમને કીધું મોટા ભાઈ ભાભી અને એમના છોકરાઓ છે,
* મેં પૂછ્યું- તમારા લગન નઈ થયા? એમને કીધું બેન હું બઉ નાનો હતો ત્યારે જ મારા ભાઇ ભાભીએ સહીઓ કરાવીને આખું ઘર એમના નામે કરી દીધું, આખા ચાર રૂમો બનાવ્યા છે પણ મને નથી રેહવા દેતા, હું તો ખાલી ધાબા પર સુવા જઉં છું, ઘર અને પૈસો ના હોય તો બૈરું કોણ આપે,
* મેં કીધું સાચી વાત છે કાકા, તમે કામ શું કરો છો? એમને કીધું એક જગ્યાએ લારી પર વાસણ સાફ કરું છું અને કચરો વાળું છું, બે હજાર પગાર છે તો આ મારા ખાવા પીવામાં વાપરું છું,
* મેં કીધું તમારી સાથે આવું તમારા ભાઈએ કર્યું તો તમને અફસોસ નથી થતો? કાકાએ કીધું બેન હું તો સાંઈબાબાનો ભક્ત છું અને એવું માનું છું કે દુઃખ તો સાંઇબાબા ને પણ સહન કરવું પડ્યું હતું તો આપણે માણસને તો કરવું જ પડે ને,
* હું આ જવાબ સાંભળીને અચરજ પામી ગઈ કે કાકાએ કેટલી મસ્ત વાત કીધી, મેં પછી કાકા સાથે ઘણી વાતો કરી, એમની સાથે ફોટો પાડ્યો, એમને બીજો નાસ્તો લઈ આપ્યો અને કીધું આ પછી ખાજો,
* કાકાએ કીધું બેન આજે ગુરુવાર છે અને તમે મને ખવડાવ્યું એટલે સાક્ષાત મારા સાંઈબાબાએ તમને મોકલ્યા હશે, તમારી બધી ઈચ્છાઓ પૂરી થશે અને તમારા ઘરે પુષ્કળ લક્ષ્મીજી નો વાસ થશે, તમે મારા શબ્દો યાદ રાખજો, અને હું આગળ કાંઈ બોલી ના શકી,
* મેં કીધું કાકા હવે 10 વાગશે, કરફ્યુ નો ટાઈમ થશે તમે ઘરે જાઓ અને હું પણ જઉં, કાકાએ કીધું આવજો બેન અને માથા પર હાથ મુક્યો, મને બે ઘડી માટે થયું કે હું કદાચ આ અનુભવ કરવા માટે આઈસ્ક્રીમ ખાવા નીકળી હતી,
તો આવો હતો મારો કાલનો માસ્ટરપીસ અનુભવ, અશોકકાકા સાથે થયેલી વાત પરથી એટલું કહી શકાય કે આપણે સુખ હોય કે દુઃખ હોય એને સહજતાથી કેવી રીતે સ્વીકારવું એ આપણા હાથમાં જ છે.
ખાસ નોંધ: મને એવું લાગે છે કે આપણે માણસ જ માણસને સમજવાનું, સાંભળવાનું અને જરૂર પડે અને પોસીબલ હોય એટલી મદદ કરવાનું શરૂ કરીએ તો કદાચ અડધાથી વધારે મંદિરો ઓછા થઈ જાય કારણકે એક માણસ જ બીજા માણસની કામ લાગવા લાગે અને બધા ભગવાન બીજા ઈમ્પોર્ટન્ટ કામમાં ફોકસ કરી શકે. અત્યારે તો ભગવાનને બધાનું કેટલું બધું સાંભળવું પડતું હશે કારણકે માણસ માણસને સાંભળતો જ નથી એટલે ભગવાનને બીજા મહત્વના કામ કરવામાં ઓછો સમય મળતો હશે અને કદાચ થાકી પણ જતા હશે. તો ચાલો આપણે સૌ ભેગા મળીને ભગવાનનો બોઝો થોડો ઓછો કરીએ, માણસ બનીને માણસ સાથે વાત કરીએ, તો ભગવાન બીજા મોટા કામ કરી શકે.
ફોટા- Click Here
વિડિઓ સ્ટોરીઝ – Click Here
આવી જ બીજી હરવા ફરવાની વાતો કરતી રહીશ.
ખૂબ પ્રેમ સાથે,
પંક્તિ
Pingback:અશોક કાકા સાથેની અણધારી મુલાકાત - પંક્તિ શાહ