આજે વિશ્વ માતૃભાષા દિવસ છે અને મારે આજના દિવસે તમને એક સરસ વાત કહેવી છે. હું જ્યારે ગામડામાં રહેતી હતી ત્યારે કોઈ શહેરનાને જોઉં કે મળું ત્યારે મને મનમાં એવું થાય કે હું ડફોળ છું, મારા કપડા સ્ટાઈલિસ્ટ નથી, મને અંગ્રેજી બોલતા નથી આવડતું, મને હોટલમાં ઓર્ડર કરતા નથી આવડતું, મને ગ્રુપમાં કૂલ દેખાવાનું નથી આવડતું અને હું શહેરના હોય એને એટલો ઉંચો દરજ્જો આપતી કે જાણે હું તો એમની સામે કાંઈ હોઉં જ નહીં. આ બધી મૂંઝવણમાં સૌથી મોટી બાજી કોઈ મારતું હોય તો એ છે અંગ્રેજી ના આવડવું અથવા કડકડાટ ના આવડવું.
પણ હવે સમજાય છે કે ઉપરની એક પણ વાતોથી જિંદગીમાં કંઈજ ફરક નથી પડ્યો, સમય આવ્યે અંગ્રેજી પણ આવડી ગયું, સ્ટાઇલ મારતા પણ આવડી ગઈ, હોટલમાં ઓર્ડર કરતા પણ આવડી ગયું અને ખાલી હજી કૂલ દેખાવાનું નથી ફાવતું. બાકી જરૂર પૂરતું અંગ્રેજી પણ આવડી ગયું અને જ્યાં કડકડાટ બોલવાની જરૂર હોય ત્યાં એમ્પ્લોયમેન્ટ ની તક ઉભી કરીને નોકરી આપતા આવડી ગયું.

આજકાલ હું જોતી હોઉં છું કે જ્યારે નાનું બાળક ચમચી બોલે તો એમની સ્માર્ટ મમ્મી તરત જ બૂમો પાડે કે બેટા ચમચી નઈ, સ્પૂન બોલવાનું. મારો એ બધી મમ્મીઓને સવાલ છે કે શું ચમચી બોલવાથી તમને આજ સુધીમાં કોઈ નુકસાન થયું? બાળકને બંને બોલતા શીખવાડો, જ્યાં સ્પૂન બોલવાની જરૂર હોય ત્યાં જ સ્પૂન બોલે અને જ્યાં ચમચી ચાલે ત્યાં ચમચી જ બોલે. અને સાચું કહું તો હું ઘણાં દેશ ફરી છું પણ આ અંગ્રેજીનું ભૂત આપણને જેટલું વળગ્યું છે એટલું બીજા કોઈ દેશમાં વળગ્યું નથી, બધી જગ્યાએ પોતાની માતૃભાષાને એક અલગ જ મહત્વ અપાય છે જ્યારે આપણે તો અહીંયા માણસો હોટલમાં જાય તોપણ અંગ્રેજી બોલવા લાગે.

જેને અંગ્રેજી ના આવડતું હોય કે ઓછું આવડતું હોય એ બધાને આજે મારી નમ્ર વિનંતી છે કે પહેલા તો તમે પોતાને ઓછા ના આંકશો, તમે જ પોતાને ઓછા આંકશો તો સામે વાળા ડબલ ઓછા આંકશે. આત્મવિશ્વાસથી વાત રજૂ કરતા શીખો, જેને કડકડાટ અંગ્રેજી આવડતું હોય એને કદાચ એવું લાગતું હોય કે એ બઉજ હોંશિયાર છે તો એને લાગવા દો, એને શું લાગે છે એ આપણે નહીં વિચારવાનું. આપણે બસ આગળ વધવાના પ્રયત્ન ચાલુ રાખવાના. બાકી આગળ વધવા માટે અંગ્રેજી નહીં પણ હિંમત અને સાહસ જરૂરી છે.

મેં જ્યારે ગુજરાતીમાં લખવાનું શરૂ કર્યું ત્યારે મને એવું હતું કે આ ફેન્સી સમયમાં કોણ મારુ ગુજરાતી વાંચશે પણ સાચ્ચું કહું તો ચાર મહિનામાં 10 લાખથી વધારે પ્રોફાઈલ વ્યૂ આપીને બધાએ મારી બોલતી બંધ કરી દીધી છે, હવે તો હું એકદમ સ્યોર છું કે માં પ્રત્યેનો પ્રેમ હજી બરકરાર છે.

આ શુભ દિવસે એટલું જ કહીશ કે કોઈ માતૃભાષામાં બોલે તો એને સાંભળજો, તમે સામે જવાબ તમને આવડતું હોય તો માતૃભાષામાં જ આપજો, અંગ્રેજીમાં જવાબ આપીને સામે વાળાની મૂંઝવણ ના વધારશો.
ખાસ નોંધ: બઉ મસ્ત વાત કહું,

* તમને કોઈ oversmart કેહ તો મજા આવે કે પછી વાયડો કે ચાંપલો કેહ તો મજા આવે?
* તમને કોઈ I Love You કેહ તો મજા આવે કે પછી હું તારા વગર નહીં રહી શકું એવું કેહ તો મજા આવે?
* તમને કોઈ Aunty કેહ તો ગમે કે ફોઈ, કાકી, માસી, મામી કેહ તો ગમે?
* તમને સપના અંગ્રેજીમાં આવે તો ગમે કે ગુજરાતીમાં?
આનો જવાબ વિચારીને તમારો સાચો પ્રેમ આજે સમજી જજો.

ફોટા- Click Here

વિડિઓ સ્ટોરીઝ – Click Here

આવી જ બીજી હરવા ફરવાની વાતો કરતી રહીશ.

ખૂબ પ્રેમ સાથે,
પંક્તિ

Pankti Shah - Author

ફરવું બધાને જ લગભગ ગમતું હોય છે, પણ બધા ફરી ના શકે એવું એમને લાગતું હોય છે. એવું ઘણીવાર મેં સાંભળ્યું છે કે હું નસીબદાર છું કે હું ફરી શકું છું. પણ નસીબ અને ફરવાને કઈ લાગતું વળગતું નથી. જો આપડે ખરેખર ફરવું જ હોય તો રસ્તા નીકડી જ જાય, અને ટ્રાવેલ કરવા માટે તમે જે કરતા હોય એ છોડવાની પણ જરૂર નથી. તમે કામ ની સાથે સાથે ફરી શકો છો. હું 6 વરસથી ટ્રાવેલ કરું છું, એની સાથે મારો ડિજિટલ માર્કેટિંગ નો Business પણ ચલાવું છું, ઘર પણ સાચવું છું.

You Might Also Like

Enter Your Comments Here..