હું છેલ્લાં અમુક મહિનાથી મારી હેરિયર લઈને ફરું છું તો મારી એસક્રોસ જેની સાથે મેં છેલ્લાં 5 વરસમાં ઘણી ટ્રીપ કરી છે એ નારાજ થઈ ગઈ. એટલે મને થયું કે એને લઈને ક્યાંક ફરી આવું તો એની નારાજગી દૂર થઈ જાય. રશ્મિન મને Instagram માં ફોલો કરે છે અને એને મને એના ઘરે જગાણાં આવા માટે આમંત્રણ આપ્યું હતું જે પાલનપુરથી નજીક આવેલું છે અને જમનાબાઈ એટલે રશ્મિનનાં મમ્મી અને મારા બાઈ. હું એમના ઘરે 4 દિવસ રોકાઈને આવી અને મારો અનુભવ કંઈક આવો રહ્યો,

* હું જ્યારે એમને પેહલી વાર મળી ત્યારે એમની પ્યાર ભરેલી સ્માઈલ જોઈને મને મજા આવી ગઈ કે અહીંયા તો મને મજા પડી જશે,

* જમનાબાઈ સાક્ષાત પ્રેમ અને કરુણાની મૂર્તિ હોય એવો મને એહસાસ થયો, એમને બધા દિવસ મને પ્રેમ અને ઘી થી લથપથ સરસ ઘરનું જમવાનું જમાડયું. એ અમને જમવા બેસાડે ત્યારે સાથે પીરસવા બેસે અને બધું ધ્યાન રાખે કે અમે બરાબર જમીએ છે કે નહીં,

* જમનાબાઈ આટલા નાના ગામડાનાં હોવા છતાં એમના વિચારો એટલા વિશાળ છે કે એ સહજતાથી આજની પેઢી ની વાતો અને મિત્રતાના સંબંધો સ્વીકારે છે, એમની એક વાત મને યાદ રહી ગઈ એમના ફળીયા વાળા કોઈ પૂછે કે આ તમારા ઘરે બેન આવ્યા છે એ કોણ છે તો એ ગર્વથી કેહતા કે અમારા રશ્મિનની ફ્રેન્ડ છે,

* કાકા સિક્યોરિટી ગાર્ડ ની નોકરી કરે છે અને જમનાબાઈ ઘરનાં કામ અને થોડાં ઢોરની સારસંભાળ કરે, ત્રણ દીકરીઓ પરણાવી દીધી છે અને રશ્મિનને ભણાવે છે,

* જમનાબાઈએ મને એમના બધા દેરાણી,જેઠાણી અને બહેનપણીઓ ને પણ મળાવી અને અમે બધા ભેગા થઈને ખડખડાટ હસ્યા અને ગપ્પાં માર્યા, મારા તો ગાલ દુઃખી ગયા અને પેટમાં ગલીપચી થવા લાગી એટલું બધું બધાએ હસાવી અને મારા ખુલ્લાં વાળ રાખવાની સ્ટાઇલ પર બધા બઉ હસ્યાં,

* અમે જમનાબાઈ ના સાસુને પણ મળ્યાં, એ પણ સુપર વુમન છે. બા પણ આ ઉંમરે બધું કામ કરે, ખેતરમાં ચાર વાઢે અને બીજા બધા કામ પણ કરે. બા ને ઘણાં બધાં ભજન પણ આવડે છે અમે બા પાસે ભજન પણ ગવડાવ્યા,

* અમે બધા દિવસ આજુબાજુમાં ઘણી જગ્યાઓ ફરવા ગયા અને આટલી બધી મજા કરી,

* ચાર દિવસ ક્યાં જતાં રહ્યાં એ ખબર જ ના પડી અને જવાનાં ટાઈમે જમનાબાઈએ કીધું હજી રોકાઈ જા બેટા, મેં કીધું હવે ફરી આવીશ પાક્કું, એમને કીધું તારું જ ઘર છે જ્યારે આવું હોય ત્યારે આવી જજે અને બધાએ મને આવજો કર્યું અને મારી પાસેથી ફરી આવીશ એની ખાત્રી લીધી.

તો આવો હતો મારો જમનાબાઈનાં ઘરનો સુપર ડુપર અનુભવ. સાચા ઘી જેવો એમના ચહેરાનો ચળકાટ, માં અંબા જેવો એમનો કપાળનો ચાંલ્લો, એમની એક વાક્યમાં 4 વાર બેટા કહેવાની સ્ટાઇલ, હું તો થાકતી જ નથી એવા એમના ડાયલોગ, પહેરવેશ માં સાડી પણ એમના આધુનિક વિચાર, કુટુંબને સાથે રાખીને ચાલવાની ભાવના અને નિઃસ્વાર્થ પ્રેમથી ભરેલી એમની વાતો મને હંમેશા યાદ રહેશે. હું ફરી જઈશ ત્યારે એ કાકા માટે પ્રેમગીત ગાશે એવું હું એમને કહી આવી છું.

ખાસ નોંધ- શોર્ટ કપડાં પહેરવાથી, પીઝા પાસ્તા ખાવાથી કે બે ચાર અંગ્રેજી શબ્દો બોલવાથી મોર્ડન નથી થવાતું પણ મન ની મોકળાશ અને વિચારોમાં આધુનિકતાથી સાચા અર્થમાં મોર્ડન થવાય છે.

ફોટા- Click Here

વિડિઓ સ્ટોરીઝ – Click Here

આવી જ બીજી હરવા ફરવાની વાતો કરતી રહીશ.

ખૂબ પ્રેમ સાથે,
પંક્તિ

Pankti Shah - Author

ફરવું બધાને જ લગભગ ગમતું હોય છે, પણ બધા ફરી ના શકે એવું એમને લાગતું હોય છે. એવું ઘણીવાર મેં સાંભળ્યું છે કે હું નસીબદાર છું કે હું ફરી શકું છું. પણ નસીબ અને ફરવાને કઈ લાગતું વળગતું નથી. જો આપડે ખરેખર ફરવું જ હોય તો રસ્તા નીકડી જ જાય, અને ટ્રાવેલ કરવા માટે તમે જે કરતા હોય એ છોડવાની પણ જરૂર નથી. તમે કામ ની સાથે સાથે ફરી શકો છો. હું 6 વરસથી ટ્રાવેલ કરું છું, એની સાથે મારો ડિજિટલ માર્કેટિંગ નો Business પણ ચલાવું છું, ઘર પણ સાચવું છું.

You Might Also Like

Enter Your Comments Here..