જેમ આપણે મિત્રને મળવા આતુર હોઈએ એમ હું પણ મારા
મિત્ર માધવના દ્વારકાધીશ રૂપને મળવા એક્સાઇટેડ હતી. વડોદરાથી હું અને હેરીયર સવારે નીકળ્યા હતા, રાત્રે દ્વારકા પહોંચીને હું જલ્દી જલ્દી સુઈ ગઈ કારણકે સવારે મારે મંગળા આરતીમાં મારા મિત્રને મળવાનું હતું. આમતો મારી માધવ સાથે રોજે વાત થતી હોય છે પણ મારા મિત્રનો ત્યાં દ્વારકાધીશ તરીકે કેવો ઠાઠમાઠ હશે અને એ કેવી રીતે બધું મેનેજ કરતો હશે એ મારે એને પુછવું હતું. મારો અનુભવ કંઈક આવો રહ્યો,

* સવારે જલ્દી જલ્દી ઉઠીને હું એકદમ મસ્ત તૈયાર થઈ ગઈ કારણકે મિત્રના દરબારમાં જવાનું હતું તો એન્ટ્રી તો પાડવી પડે. 6 વાગે મંદિર પહોંચી ગઈ, બહારથી મંદિર જોઈને જ એક અલગ એનર્જી શરીરમાં પ્રવેશી હોય એવો આભાસ થયો, ધજાજીને પ્રણામ કર્યા,

* મંદિર ના ચોકમાં પ્રવેશ કર્યો, માધવને મારી જેમ પોતાના ફોટા પડાવું નથી ગમતું એટલે એને ત્યાં અંદર મોબાઈલ લઈ જવા પ્રતિબંધ કરેલો છે એટલે બહાર મોબાઈલ જમા કરાવ્યો, માધવે આ સારું ડીસીઝન લીધું છે નહીતો અહીંયા પણ અંદર જઈને લોકો 200 સેલ્ફી પાડતા અને ઝપીને બેસતા પણ નહીં અને ફોટામાં સ્માઈલ આપીને માધવના ગાલ દુઃખી જતા. જૂતા ઘરમાં જૂતા જમા કરાવ્યા અને હું લાઈનમાં ઉભી રહી,

* ઠંડો ઠંડો પવન લહેરાતો હતો, મારા વાળ હવામાં ઉડતા હતા અને સાથે સાથે અને મારો ઉત્સાહ વધી રહ્યો હતો, લાઇન મોટી થઈ રહી થતી, અમુક બહેનો ચાલાકીથી ધક્કા મારીને આગળ જતાં હતાં અને હું મનમાં વિચારતી હતી કે આ લોકોને હજી ખબર નથી કે ધક્કામુક્કી માધવને પસંદ નથી અને એવું કરવાથી માધવને મળવાનો આનંદ ઓછો થઈ જાય છે, એટલે હું એ બેનોને સહજતાથી આગળ વધવા દેતી હતી,

* પોલીસ બહેનો દ્વારા ચેકિંગ કર્યા પછી અંદર આગળ વધવાનું હોય છે, માધવને ઉઠાડવાની તૈયારીઓ મંદિરમાં ચાલુ થઈ ગઈ હતી, હું વિચારતી હતી કે માધવને ઠંડીમાં થોડું વધારે સુવાની કદાચ ઈચ્છા થતી હશે, આ બધું વિચારતા વિચારતા હું મુખ્ય દ્વાર પાસે પહોંચી ગઈ, જમણી બાજુ નાની દેરીમાં બિરાજેલા માતાજીના દર્શન કરી અંદર પ્રવેશ કર્યો,

* લોકો દોડાદોડી કરતા હતા આગળ પહોંચવા માટે, હું એકદમ છેલ્લે એક ખૂણામાં ઉભી હતી અને બધા દ્રશ્ય નિહાળતી હતી. અમુક લોકો રેલિંગ પર ચડ્યા હતા, અમુક થાંભલા પર અને અમુક ઠેલા મારી મારીને આગળ જતાં હતાં, હું શાંતિથી માધવ દેખાશે એની રાહમાં પાછળ ઉભી હતી.

* દરેક જગ્યાએ વચેટીયા હોય એમ અહીંયા પણ એ સિસ્ટમ હતી જેમાં કોઈ ઓળખાણ હોય તો એકદમ આગળ નાનકડી લાઈનમાંથી એ અંદર લઈ જઈને સાઈડમાંથી દર્શન કરાવે એને મોર્ડન ભાષામાં VIP કેહતા હોય છે, અને એ VIP દર્શન કર્યા પછી ગર્વથી બીજા લાઈનમાં ઉભા રહેલા સામે જોતા હોય છે જાણે કે એમને મહાભારતનું યુદ્ધ જીતી લીધું હોય પણ કદાચ એમને ખબર નઈ હોય કે માધવને તો વચેટીયા સિસ્ટમ જરાય પસંદ નથી, એના દરબારમાં તો બધાને સરખું જ માન સન્માન હોય,

* મંગળા આરતી શરૂ થતાં હું ખૂણામાં આંખ બંધ કરીને ઉભી હતી અને માધવના ધ્યાનમાં લીન હતી, આરતી પછી જ્યારે બધી ભીડ આમતેમ થઈ પછી હું ધીમે ધીમે આગળ ગઈ અને મને દ્વારકાધીશના દર્શન થયાં, એવું લાગ્યું જાણે એ આંખો ચોળતા ચોળતા કહે છે કે સવારમાં સવારમાં આવી ઠંડીમાં તમે બધા ભક્તો મને મળવા આવ્યા એની માટે હું તમારો આભારી છું, હું તો માધવનો ચકમકાટ અને ઠાઠમાઠ જ જોતી રહી, પાછળ એટલે ધક્કા આવે કે ત્યાં વધારે ઉભું ના રહી શકાય એટલે હું બહાર જઈને પછી એક ખૂણામાં ઉભી રહી અને ત્યાંથી માધવ સાથે વાતો કરી, એ વાતો હું બીજી પોસ્ટમાં તમને કહીશ.

* મંદિર પરિસરમાં દ્વારકાધીશની સાથે એમની આખી ફેમિલી પણ બિરાજમાન છે, માધવના દર્શન પછી હું માતા દેવકીને મળવા ગઈ, એમના દર્શન કર્યા અને એમને કીધું કે માતૃત્વનું સુખ આપે ત્યારે માધવ તમારા ગર્ભમાં હશે ને જે ગર્ભસંસ્કરણ તમે કર્યું હોય એમાનું કંઈક મને શીખવાડજે,

* પુરુષોત્તમરાય ના દર્શન કર્યા, કેહવાય છે એ પણ માધવનું જ એક સ્વરૂપ છે અને જ્યારે દર ત્રણ વરસે પુરુષોત્તમ માસ આવે ત્યારે એ એક મહિનો એમનું રાજ હોય છે,

* શાંતિની જ્યોતિ માં આદ્યશક્તિ અને દ્વારકાધીશના પરિવારના કુળદેવી પણ અહીંયા બિરાજમાન છે. માં અંબા ને મેં કીધું કે નારીમાં રહેલી શક્તિ નારી પોતે સમજી શકે અને જોઈ શકે એવી તો બધી નારીને બુદ્ધિ આપજે,

* દ્વારકાધીશના કુલગુરુ દુર્વાસા ઋષિ પણ અહીંયા બિરાજે છે, એમના દર્શન કર્યા એને એમને કીધું કે જેમ તમારા શ્રાપથી ધરતી ધ્રુજી ઉઠતી હતી એમ આ કચરાફેકું લોકો બીકથી ધ્રુજી જાય એવું કંઈક તમે સેટ કરજો એવી જ મારી તમને પ્રાર્થના છે,

* અનિરુદ્ધજી, પ્રદ્યુમ્નજી, માધવજી, બલરામજીના દર્શન કર્યા અને આશીર્વાદ લીધા,

* માધવની આઠે પટરાણીઓના દર્શન કર્યા અને એમને પૂછ્યું કે જેની પાછળ કેટકેટલા ઘેલા છે એના તમને પટરાણી બનવાની કેટલી મજા આવતી હશે,

* અહીંયા ચાર મઠ માંથી એક શારદાપીઠ આવેલું છે ત્યાં સવારસાંજ વિદ્યાર્થીઓ મંત્રોચ્ચાર કરતા હોય છે,

* મંદિરમાં ચોથે માળ માં શક્તિ બિરાજમાન છે ત્યાં બધાને જવા દેવામાં નથી આવતા, પણ આપણે આંખ બંધ કરીને માં શક્તિને યાદ કરી લેવાના,

* કેહવાય છે ધ્વજાજી રાધાનું સ્વરૂપ છે, એના દર્શન માત્રથી મનોકામના પૂર્ણ થાય છે. મંદિરમાં ધ્વજા દિવસમાં ચાર વખત બદલવામાં આવે છે અને જોવાનો આંનદ પણ અલગ જ હોય છે. મેં માધવને પૂછ્યું હતું કે આ 52 ગજની ધ્વજા ચડવાનો લાભ બધા કુટુંબને પોષાય એવો ના હોય તો શું કરવું?, માધવે કીધું દર્શન જ કાફી છે એટલે એની જરાય ચિંતા ના કરવી, એટલે મેં પણ દર્શન માત્રથી સુખ અનુભવ્યું,

* મંદિરમાં પાદુકાના રૂપમાં આદિ શંકરાચાર્ય ની સમાધિ છે, એમના દર્શન કર્યા અને આભાર માન્યો જેમના લીધે આજે હું આ જગ્યા પર છું,

* મંદિરમાં મોક્ષ દ્વાર અને સ્વર્ગ દ્વાર એમ બે દ્વાર છે, એક દ્વારથી 56 સિડી ઉતરીને માં ગોમતીને મળવા ગઈ, એમના જળ સ્વરૂપી આશિર્વાદ લીધા. કેહવાય છે માધવ જ્યારે દ્વારકા છોડીને જઈ રહ્યા હતા ત્યારે ગોમતી માં રડવા લાગ્યા હતા કે કૃષ્ણ તમારી વગર મારુ શું થશે? , ત્યારે કૃષ્ણએ કીધું હતું કે હું જ્યાં હોઈશ ત્યાંથી રોજે 2 વાર તમને મળવા આવીશ એટલે કેહવાય છે આજે પણ માધવ રોજે 2 વખત અહીંયા આટો મારવા આવે છે, હું વિચારતી હતી કે માધવ કયા ટાઈમે આટો મારવા આવતો હશે, કાશ મને મળી જાય તો મજા આવી જાય,

* ગોમતીમાંની પાસે બેઠા બેઠા સુદામા સેતુ જોતી હતી અને વિચારતી હતી કે માધવ અને સુદામા ની ભાઈબંધી કેટલી પાક્કી હશે કે આજે પણ બધા યાદ કરે છે, મેં ગોમતીમાં ને કીધું માધવ હસે ત્યારે કેવો લાગે છે તમે તો જોયો જ હશે ને? માં એ પાણીનો ખળખળ અવાઝ સંભળાવ્યો અને હું સમજી ગઈ કે માધવ ખડખડાટ હસતો હશે અને ગાલમાં
ખાડા પડતા હશે,

* પછી ઉપર જઈને એક ખૂણો શોધીને બેસી રહી, ધ્યાન ધર્યું, માધવને ફરી જોઈ આવી, ધજાજીને લહેરાતા જોયા અને બસ ખોવાઈ ગઈ. પાછું મને બહાર નીકળવાનું જરાય મન નહોતું.

* મેં માધવને છેલ્લું આવજો કર્યું અને કીધું આ બધા આટલું બધું તને ગળ્યું ગળ્યું ખવડાવતા હતા એટલે હું તો તને ઘરે જઈને મસ્ત દાળઢોકળી ખવડાવીશ,

તો આવી હતી મારી માધવ સાથેની મુલાકાત જે અત્યારે વર્ણવતા વર્ણવતા પણ ત્યાં પહોંચી ગઈ હોય એવું લાગ્યું અને આંખમાં આંસુ આવી ગયા. તમે ત્યાં જાઓ અને જ્યારે શાંતિથી બેસો ત્યારે થોડું ધ્યાન કરજો અને ભૂમિનો પ્રભાવ અનુભવજો અને જો તમારી આંખમાં આંસુ ના આવે તો ઘરે આવીને હાર્ટ ચેકઅપ પાક્કું કરાવી લેજો. હું ત્યાં ત્રણ દિવસ દરમ્યાન લગભગ દરેક સમયની આરતી અને માધવના દરેક સ્વરૂપ જોયા અને અનુભવ્યા. તમને બધાને એક વિનંતી કરીશ કે તમે જાઓ ત્યારે ઉતાવળમાં ના જશો, ખૂબ શાંતિ અને સમતાથી માધવને ભેટજો નહીતો પછી થપ્પો કરીને આવ્યા હોય એવું લાગશે.

ખાસ નોંધ: માધવ કેહતો હતો કે હું અહીંયા આવાનો કોઈને હુકમ નથી કરતો એટલે તમે એવું ના સમજશો કે તમે નથી આવી શકતા તો મારો હુકમ નઈ હોય, તમે મને ગમે ત્યાંથી યાદ કરી શકો છો. અને તમને એવું લાગતું હોય કે મને આ બધી ઠાઠમાઠ અને તમે કેટલું દાન કરશો એમાં રસ છે તો એવું જરાય નથી, તમે ધ્યાનથી વિચારજો હું તો સુદામા, શબરી, મીરાં બાઈ, નરસિંહ મહેતા જેવાના રંગમાં રંગાઉ છું એટલે મન નાનું ના કરશો.

બીજી ખાસ નોંધ: માધવે મને ખાસ છેલ્લે યાદ કરાવ્યું કે પંક્તિ પેલું કચરાફેંકુને ખખડાવાનું, ડરાવાનું અને ધમકાવાનું ચાલુ રાખજે નહીતો મારે કલ્કી અવતાર જલ્દી લેવા મજબૂર થવું પડશે.

ફોટા- Click Here

વિડિઓ સ્ટોરીઝ – Click Here

આવી જ બીજી હરવા ફરવાની વાતો કરતી રહીશ.

ખૂબ પ્રેમ સાથે,
પંક્તિ

Pankti Shah - Author

ફરવું બધાને જ લગભગ ગમતું હોય છે, પણ બધા ફરી ના શકે એવું એમને લાગતું હોય છે. એવું ઘણીવાર મેં સાંભળ્યું છે કે હું નસીબદાર છું કે હું ફરી શકું છું. પણ નસીબ અને ફરવાને કઈ લાગતું વળગતું નથી. જો આપડે ખરેખર ફરવું જ હોય તો રસ્તા નીકડી જ જાય, અને ટ્રાવેલ કરવા માટે તમે જે કરતા હોય એ છોડવાની પણ જરૂર નથી. તમે કામ ની સાથે સાથે ફરી શકો છો. હું 6 વરસથી ટ્રાવેલ કરું છું, એની સાથે મારો ડિજિટલ માર્કેટિંગ નો Business પણ ચલાવું છું, ઘર પણ સાચવું છું.

You Might Also Like

Enter Your Comments Here..