રજાનાં દિવસમાં મને વધુ ટાઈમ ગાર્ડનમાં અને વાંચનમાં પસાર કરવો ગમે. સવારથી વોટ્સએપ જોયું જ નહોતું, હમણાં જોયું તો 200 થી વધારે દિવાળીના મેસેજીસ આવેલાં હતાં. એ જોતાં એક કલાક થઈ ગયો, અને અમુક ના મેસેજ તો 2019 ની દિવાળીનો હોય પછી આજે હતો. તમારા બધા સાથે પણ આજે આવું જ કંઈક થયું હશે એટલે મને થયું કે ચલો એક સરસ જગ્યાની વાત કરીને તમારો મેસેજ જોઇ જોઈને લાગેલો થાક ઉતારી દઉં.
ગયા મહિને હું સ્ટેચ્યુ ઓફ યુનિટી ટેન્ટ સિટી-1માં 3 દિવસ રોકાવા ગઇ હતી ત્યારે હું ત્યાંથી ઝરવાણી વૉટરફોલ ગઈ હતી. હું એકલી હતી તો મારી સાથે ટેન્ટ સિટી ની ટીમ માંથી કૃણાલ, ચાર્મી, શિવાની અને મુકેશભાઈ પણ આવ્યા હતા. આમતો હું વડોદરા રહું છું એટલે પેહલા પણ જઈ આવેલી છું. ઝરવાણી વૉટરફોલ વડોદરાથી 90kms દૂર છે.
સાતપૂડા પર્વતમાળાની વચ્ચે શૂળપાણેશ્વર વન્યજીવન અભયારણ્યની અંદર આવેલું છે. કાર પાર્ક કરીને વૉટરફોલ સુધી પહોંચવા માટે છીછરા પાણીમાંથી ચાલવાનો રસ્તો છે.
મારો ત્યાંનો અનુભવ કંઈક આવો રહ્યો,
* ત્યાં અમને શનાભાઈ મળ્યા જે સીતાફળ તોડીને વેચવા ઉભા હતા એમને મેં કીધું પાછા આવીને લઈશું તો એમને સીતાફળ ઝાડ નીચે મૂકી દીધા અને અમારી સાથે જ અંદર આવ્યા,
* છીછરા પાણીમાંથી રસ્તો ધોધ સુધી જતો હતો, પાણીમાં લીલ હોવાના લીધે લપસી જવાય એવું હતું એટલે બધા એકબીજાનાં હાથ પકડીને સપોર્ટ આપીને અંદર ગયા,
* ત્યાં આજુબાજુમાં રહેતાં નાનાં બાળકો પણ ટુરિસ્ટને જોઈને ત્યાં આવે છે અને એ પણ થોડી પૈસાની આશા રાખીને હાથ પકડીને રસ્તો ક્રોસ કરાવે છે, અમારી સાથે એક બચ્ચાં પાર્ટી પણ જોડાઈ,
* ધોધ પાસે પહોંચીને એ અવાજ પેહલા તો મેં શાંતિથી સાંભળ્યો, તમને એવું થશે કે આ અવાજ સાંભળ્યા જ કરીએ,
* શનાભાઈ સાથે ઘણી વાતો કરી અને મેં એમને અહીંયાની ખેતી, લાઈફ અને બીજું ઘણું બધું પૂછી લીઘું,
* ટેન્ટ સિટી ટિમ સાથે મજા કરી, ફોટા પડાવ્યાં,
* બચ્ચાં પાર્ટી સાથે વાતો કરી, એમને કીધું દીદી તમારે અમારા જમ્પ જોવા છે, મેં કીધું હાં જોવા છે, એક નાનકડી પૈસાની ડીલ કરી અને પછી તો એ લોકો એ ભમાભમ ઉપર થી પાણીમાં કુદવાનું ચાલુ કર્યું,
* નાની નાની શરમાળ છોકરીઓ હતી એમને મારી સાથે ઉભા રહીને જમ્પ કરવા વાળાને ચીસો પાડી ચીયર કર્યા,
* ધોધની સાઈડ માંથી એક રસ્તો ઉપર જાય છે ત્યાં પણ જઈને ધોધને ઉપરથી નિહાળ્યો,
* ખૂબ મજા કરી, છોકરાંઓને આવજો કર્યું, શનાભાઈ પાસે સીતાફળ ખરીદ્યા એમને આવજો કર્યું અને પાછા વળતા ગોપાલના વાટકા ખાવાનો આનંદ લેતા લેતા ટેન્ટ સિટી પહોંચી ગયા.
મને ઝરવાણી વૉટરફોલ બઉજ મજા આવી ગઈ હતી, એ છોકરાંઓની મસ્તી અને શનાભાઈની શરમાળ સ્માઈલ હજી આંખ સામે આવે છે. ટેન્ટ સિટી ટીમ નો નિસ્વાર્થ પ્રેમ પણ હંમેશા યાદ રહેશે.
ખાસ નોંધ- અહીંયા ફેન્સી ચપ્પલ પહેરીને ના જતા અને કચરો તો પ્લીઝ જ્યાં ત્યાં ફેંકતા જ નહીં , નહીતો ત્યાંના લોકોની હાય લાગશે. જેમ ગુજરાતીઓ હંમેશા નાસ્તો સાથે લઈને જાય છે તેમ કચરો ફેંકવા કોથળી પણ સાથે રાખતા શીખી જાઓ.
ફોટા- Click Here
વિડિઓ સ્ટોરીઝ – Click Here
આવી જ બીજી હરવા ફરવાની વાતો કરતી રહીશ.
ખૂબ પ્રેમ સાથે,
પંક્તિx