આપણે મિત્રને મળવા જઈએ ત્યારે આપણને એ જાણવાની ઉત્સુકતા હોય કે આપણો મિત્ર જ્યાં રહે છે એ જગ્યા કેવી હશે, એ જગ્યાની વિશેષતા શુ હશે અને એ ત્યાં કેવી રીતે રહેતો હશે. એટલે હું પણ દ્વારકા જવાની હતી એ પેહલા મેં થોડુંક વાંચન કરીને મારા મિત્ર માધવની નગરી દ્વારકા વિશે થોડી વાતો જાણી એ હું તમને કહીશ તો તમે પણ જાઓ ત્યારે આ બધી વાતોનો ત્યાં અનુભવ કરજો.

* ભારતના પશ્ચિમ તટ પર આવેલા સૌરાષ્ટ્રમાં ગોમતી નદી અને અરબ સાગરના સંગમ પર વિષ્ણુ ભગવાનના આઠમા અવતાર શ્રી કૃષ્ણએ વસાવેલી નગરી એટલે દ્વારકા. કેહવાય છે દ્વારકા એક ઐતિહાસિક નગરી છે, ગુપ્તવંશથી લઈને રાજપૂત, મરાઠા અને અંગ્રેજો બધાના શાસનકાળ દરમ્યાન એનું અલગ મહત્વ છે.

* ભગવાન શ્રીકૃષ્ણના મથુરામાં જન્મ પછી એમનું બાળપણ અને જુવાની દરમ્યાન એ ગોકુળમાં હતા. શ્રીકૃષ્ણ એ મામા કંશનો વધ કર્યા પછી કંશના સસરા મગધ નરેશ જરાસંઘે 18 વખત મથુરા પર આક્રમણ કર્યું હતું અને એનાથી પ્રજાને બચાવવા કૃષ્ણ ભગવાને સમુદ્રદેવ પાસે જમીન માંગી, બધા આર્કિટેકના આર્કિટેક વિશ્વકર્માજીને દ્વારકા નગરી બનાવાનું કામ સોંપ્યું અને એકદમ મસ્ત સોનાની દ્વારકા નગરીની સ્થાપના કરી. કેહવાય છે કે શ્રી કૃષ્ણ રણ છોડીને ભાગ્યા હતા એટલે એમનું નામ રણછોડ પડ્યું હતું. અહીંયા એક વાત મને સમજાય છે કે દરેક વખતે સામે લડત આપવી જરૂરી નથી, ક્યારેક મેદાન છોડીને જતું રહેવું એ વધારે બુદ્ધિ વાળું કામ કેહવાય છે.

* ગાંધારીજીના શ્રાપ પ્રમાણે યદુવંશનો નાશ અને દ્વારકા નગરીનીનો નાશ થયો, ઘણા વર્ષો દ્વારકા પર રાજ કર્યા પછી દ્વારકા નગરી નષ્ટ થઈ, એને સમુદ્રમાં અર્પણ કરી શ્રી કૃષ્ણ મૃત્યુધામ છોડી એમના પરમધામ જતા રહ્યા અને એની સાથે સાથે દ્વારકાનું રહસ્ય પણ સમુદ્રની અંદર જ જતું રહ્યુ.

* કેહવાય છે શ્રી કૃષ્ણના પરપોતા વ્રજનાથે દ્વારકાધીશ મંદિરનું નિર્માણ કરાવ્યું હતું, એ પછી તો ઘણી વખત આક્રમણ અને પુનઃનિર્માણ થયું છે. 8મી સદીના મહાન સંત આદિગુરુ શંકરાચાર્યે મંદિરનું પુનઃનિર્માણ કરાવ્યું હતું. 15મી સદીમાં મહેમુદ બેગડાએ તોડી નાખ્યું પછી 18મી સદીમાં ગાયકવાડ શાસન દરમ્યાન એની મરમ્મત થઈ અને અંતે 1960 માં દ્વારકાધીશ ટ્રસ્ટને સોંપવામાં આવ્યું.

* દ્વારકાધીશ મંદિરને જગત મંદિર અને ત્રિલોક સુંદર તરીકે પણ ગ્રંથોમાં ઉલ્લેખ છે. નાગર આર્કિટેક્ચર સ્ટાઈલમાં બનેલું આ મંદિર 5 માળનું બનેલું છે, 60 સ્તંભોની અદ્ભૂત રચના અને 38 મીટર ઊંચું શિખર બિરાજમાન છે. મંદિર ગ્રેનાઈટ અને સેન્ડસ્ટોનથી બનેલું છે. મંદિરની દીવાલો પર દેવી દેવતા અને પશુ પક્ષીઓની કલાકૃતિ કોતરેલી જોવા મળે છે. દ્વારકાધીશની સાથે સાથે એમના આખા પરિવારના મંદિરો પરિસરમાં આવેલા છે.

* દ્વારકાધીશના અલગ અલગ સ્વરૂપ પ્રમાણે એમની અહીંયા દિનચર્યા છે, રાજાના ઠાઠમાઠની સાથે દ્વારકા નગરના રક્ષક પણ છે. અહીંયા દ્વારકાધીશને 11 ભોગ ધરાવામાં આવે છે અને 4 આરતી એટલે કે મંગળા આરતી, શૃંગાર આરતી, સંધ્યા આરતી અને શયન આરતી કરવામાં આવે છે.

* દ્વારકાધીશને રેશમના વસ્ત્રો, રત્ન, આભૂષણો અને ફૂલોથી સજાવવામાં આવે છે. તુલસી કૃષ્ણની પત્ની અને પ્રેમનું પ્રતીક કેહવાય છે એટલે એમને તુલસીની માળા પણ અર્પણ કરાય છે.

* દ્વારકાધીશની મૂર્તિ ચતુર્ભુજ સ્વરૂપની સવા બે ફૂટની છે, એક હાથ માં પદ્મ, એક હાથમાં ગદા, એક હાથમાં શંખ અને એક હાથમાં ચક્ર શોભે છે.

* તમે ધ્યાનથી જોશો તો દ્વારકાધીશની આંખો અડધી ખૂલેલી દેખાશે, એની પાછળનું એક રહસ્ય મેં ક્યાંક વાંચ્યું હતું એ તમને કહું. 15 મી શતાબ્દીમાં આક્રમણના ડરથી બ્રાહ્મણોએ મૂર્તિ સાવિત્રી વાવમાં સંતાડી દીધી હતી, સમય જતા ભગવાને એક બ્રાહ્મણના સપનામાં આવીને કીધું હતું કે આ દિવસે આ સમયે જઈને મૂર્તિ કાઢજો પણ બ્રાહ્મણથી રાહ ના જોવાઇ અને કિધેલા સમય પેહલા મૂર્તિ કાઢી એટલે ભગવાનની આંખ આખી ખૂલેલી નથી.

* દ્વારકાધીશની દિનચર્યા પ્રમાણે શૃંગાર આરતી પછી રાજભોગ ધરાવ્યાં પછી બપોરે 1 થી 5 એમનો આરામ કરવાનો ટાઈમ હોય છે, મને લાગે છે બપોરે દ્વારકાધીશ આરામ કરે છે એટલે જ કદાચ આખું સૌરાષ્ટ્ર બપોરે આરામ કરતું હશે.

* પછી સાંજે જાગવાના સમય પછી બાકીના ભોગ ધરાવામાં આવે, સંધ્યા અને શયન આરતી પછી દ્વારકાધીશને હાલરડાં ગાઈને લાડકોડથી સુવાડવામાં આવે છે.

* દ્વારકામાં લહેરાતી 52 ગજની ધ્વજાજી ના દર્શનનું એક અનોખું મહત્વ છે, કેહવાય છે એ રાધાજીનું સ્વરૂપ છે. અહીંયા વંશપરંપરાગત રીતે એક જ ફેમીલી ધ્વજા સીવીને બનાવે છે.

* દ્વારકાધીશ મંદિરથી થોડે દુર એમના પેહલા પટરાણી રુકમણીજી નું મંદિર આવેલું છે, એમના દર્શનથી તીર્થચક્ર પૂરું થાય છે.
મધ્યકાલીન ભારતની આવી અવનવી અને અનોખી વાતો ભારતનું હૈયું ધબકતું રાખે છે. મંદિરના દર્શનનો અનુભવ હું બીજી પોસ્ટમાં લખીને આજે મુકીશ.

ખાસ નોંધ: દ્વારકાને અને દ્વારકાધીશને પૂજનીય, વંદનીય, અનોખું અને ગૌરવવંતુ બનાવવા માટે જે લોકોનો ફાળો રહ્યો છે એવા બધા જ વ્યક્તિઓ જેમ કે પુરાતત્વ વિભાગ, બાંધકામ કારીગરો, સફાઈ કર્મચારીઓ, પોલીસ વિભાગ, પૂજારી પરિવાર, દ્વારકાધીશના સુંદર કપડાં બનાવતું ડિઝાઈનર ડીપાર્ટમેન્ટ, ત્યાં જોબ કરતા સેવાભાવીઓ, સ્વયંસેવકો, દ્વારકાની પ્રજાજન અને દ્વારકાધીશના ભક્તો જે દ્વારકાનું હૃદય ધબકાવે છે એ બધાને હું દિલથી કોટી કોટી વંદન કરું છું.

બીજી ખાસ નોંધઃ ઉપર મેં જે પણ લખ્યું છે એ મેં મારા વાંચનના અનુભવમાંથી લખ્યું છે તો કદાચ બીજાના મંતવ્યો અલગ હોઇ શકે છે. ત્યાં મંદિરમાં ફોટોગ્રાફી કરવાની પરમિશન નથી એટલે મેં અંદરના ફોટોઝ નથી પાડ્યા.

ફોટા- Click Here

વિડિઓ સ્ટોરીઝ – Click Here

આવી જ બીજી હરવા ફરવાની વાતો કરતી રહીશ.

ખૂબ પ્રેમ સાથે,
પંક્તિ

Pankti Shah - Author

ફરવું બધાને જ લગભગ ગમતું હોય છે, પણ બધા ફરી ના શકે એવું એમને લાગતું હોય છે. એવું ઘણીવાર મેં સાંભળ્યું છે કે હું નસીબદાર છું કે હું ફરી શકું છું. પણ નસીબ અને ફરવાને કઈ લાગતું વળગતું નથી. જો આપડે ખરેખર ફરવું જ હોય તો રસ્તા નીકડી જ જાય, અને ટ્રાવેલ કરવા માટે તમે જે કરતા હોય એ છોડવાની પણ જરૂર નથી. તમે કામ ની સાથે સાથે ફરી શકો છો. હું 6 વરસથી ટ્રાવેલ કરું છું, એની સાથે મારો ડિજિટલ માર્કેટિંગ નો Business પણ ચલાવું છું, ઘર પણ સાચવું છું.

You Might Also Like

Enter Your Comments Here..