દ્વારકા જવાના બે દિવસ પહેલાથી હું આ ટ્રીપ માટે ખૂબ ખુશ હતી, મનમાં અને મનમાં મેં ઘણા પ્લાન બનાવી દીધા હતા. હેરીયરને પણ આગલા દિવસે સર્વિસ કરાવી દીધી હતી. ઓફિસના કામ મેં એડવાન્સમાં પતાવી દીધા હતા એટલે હું મંદિરમાં બધા ટાઇમના અને બધા દિવસે દર્શન કરી શકું.
મારે બહાર જવાનું હોય ત્યારે અમારા અન્નપૂર્ણા વિજયાબેન આગલા દિવસે રાત્રે મસાલા પુરી બનાવે અને કેહતા જાય કે ભાભી સવારે ચા સાથે પુરી ખાઈને જજો. મસ્ત ચા નાસ્તો કરીને હું અને હેરીયર સવારે 8 વાગે નીકળ્યા. મારી વડોદરાથી દ્વારકાની 535 Kms ની રોડટ્રીપ કંઈક આવી રહી,
* મારી બધી સવાર હેમંતકાકાના પ્રભાતિયા સાંભળીને જ થાય એટલે એ સાંભળતા સાંભળતા હું વિચારતી હતી કે એક દિવસ હેમંતકાકાને મારા ગામ શિનોરમાં લાઈવ ગાવા બોલાવા છે અને આજુબાજુના બધા ગામડાવાળાને ભેગા કરવા છે. ગંગા સતીનું ભજન “મેરુ તો ડગે પણ જેના મન ન ડગે રે” સાંભળતી હતી અને વિચારતી હતી કે આ કોરોનાના સમયમાં બધાએ પોતાના મનને ના ડગવા દેવા માટે કેટલી મેહનત કરી હશે, બધાએ અલગ અલગ ચેલેન્જનો સામનો કર્યો હશે. 200 Kms થાય એટલે હેરીયર સ્ક્રિન પર મેસેજ આપે કે હવે ચા નો બ્રેક લઈ લે પંક્તિ, હાઇવે પર એક જગ્યાએ મેં ચા પીધી અને વણેલા ગાંઠિયા ખાધા,
* બાપા સીતારામના બોર્ડ દેખાવાના શરૂ થાય એટલે સમજવાનું કે આપણે સૌરાષ્ટ્રની સંતભૂમિમાં એન્ટર થઈ ગયા છીએ, આ ભૂમિને મેં વંદન કર્યા જે ભારતમાતાની સરતાજ કહેવાય છે,
* રસ્તામાં છકડા જોઈને મને એ ચલાવાની ઇચ્છા થઈ અને પછી મેં વિચાર્યું કે હું છકડો ચલાવીશ ત્યારે હેરિયર મારી માટે ગીત ગાશે, “બેવફા તને દૂરથી સલામ, દૂરથી સલામ🤣”
* એભલ ભાઈ મને ફેસબુકમાં ફોલો કરે છે, એમને મને મેસેજ કર્યો હતો કે પંક્તિબેન તમે જમવા અમારા TGM માં પધારજો, અમારી આહીરની મહેમાનગતિનો લાભ આપજો એટલે પછી હું જમવા માટે રાજકોટ જામનગર હાઇવે પર TGM માં ઉભી રહી અને મસ્ત kathyawadi જમવાનું જમી. એભલ ભાઈ સાથેની વાતોનો અનુભવ એક અલગ પોસ્ટમાં કરીશ,
* બિઝનેસની વાતો વિચારતા વિચારતા અને ટ્રાવેલ સોંગ્સનું પ્લેલીસ્ટ સાંભળતા સાંભળતા હું ખંભાળિયા પહોંચી, મને આગલે દિવસે રાત્રે હેમંતનો મેસેજ આવ્યો હતો કે પંક્તિ અમે બધા ફ્રેન્ડ્સ તમને હાઇવે પર તમને મળવા આવીએ?, મેં હા પાડી હતી એટલે હું ખંભાળિયા બાયપાસ પહોંચી ત્યાં મઢુંલી હોટલમાં અમે બધા મળ્યા, ચા નાસ્તો કર્યો, એ અનુભવ પણ બીજી પોસ્ટમાં શેર કરીશ,
* અંધારું થયું એટલે પછી હું દ્વારકા માટે નીકળી, હનુમાન ચાલીસા અને આરતી સાંભળ્યા, હેરીયરને સાથે વાતો કરી કે આજે સવારથી આપણે કેટલા સરસ સરસ વ્યક્તિને મળ્યા. ભગવાનની કૃપા અપરંપાર છે કે આપણને આવા વ્યક્તિઓને મળવાનો મોકો મળે છે, હેરિયરે મને કીધું કે પંક્તિ આ તો હવે આપણે ચાલુ જ રાખીશું, આટલા બધાને મળીશું અને તું તારા અનુભવો લખજે અને એ બધા સુધી તને પહોંચાડવાની જવાબદારી મારી છે, મેં કીધું done che boss,
* કિશનભાઈ એ મને ફેસબુકમાં મેસેજ કર્યો હતો કે પંક્તિબેન દ્વારકા આવો ત્યારે અમારી ગોપાલ હોટલના મહેમાન બનજો અને અમારા ત્યાંજ રોકાજો. હું રાત્રે 9.30 થયા ત્યારે દ્વારકા પહોંચી, રૂમ માં સામાન મૂકીને નીચે જમવા આવી ત્યારે પ્રવીણભાઈએ પૂછ્યું કે મેડમ તમારા ડ્રાયવર ગાડીમાં સુઈ જશે? મેં કીધું ડ્રાયવર છે જ નહીં હું જ ગાડી લઈને આવી છું, એ થોડા અચંબામાં આવી ગયા કે તમે એકલા ગાડીમાં આવ્યા, તમે થાકેલા પણ નથી લાગતા. મારા મનમાં મેં કીધું કે મારા અહીંયા આવાના હરખમાં થાક ક્યાંય દબાઈ ગયો હશે અને હું તો રસ્તામાં નિઃસ્વાર્થ પ્રેમનો લહાવો લેતી લેતી આવી છું તો થાક પણ એ પ્રેમના અનુભવમાં ખુશ થતો હશે,
* મસ્ત જમીને ફ્રેશ થઈને લાગતા વળગતા સાથે ફોનમાં વાત કરીને સુઈ ગઈ. સવારે મંગળા આરતીના દર્શન સાથે મારા માધવનું રાજા સ્વરૂપ અને એનો ઠાઠમાઠ જોવાનો હતો.
તો આવી હતી મારી અને હેરિયરની વડોદરાથી દ્વારકાની રોડ ટ્રીપ જેમાં મેં પોતા સાથે આટલી બધી વાતો કરી, બિઝનેસના ઘણા નવા કામ વિચાર્યા અને માયાળું વ્યક્તિઓને મળી.
ખાસ નોંધ: કોઈ સાથે હોય તો જ લોન્ગ ટ્રીપમાં મજા આવે એવું આપણને લાગતું હોય છે પણ જ્યારે આપણે પોતાની સાથે વાત કરતા શીખી જઈએ ત્યારે હજારો કિલોમીટર અંતર કાપ્યા પછી પણ એવું થાય કે આટલું જલ્દી પહોંચી ગયા? કારણકે આપણને આપણી સાથે ટાઈમ સ્પેન્ડ કરવાની એકદમ મજા આવી જતી હોય છે.
ફોટા- Click Here
વિડિઓ સ્ટોરીઝ – Click Here
આવી જ બીજી હરવા ફરવાની વાતો કરતી રહીશ.
ખૂબ પ્રેમ સાથે,
પંક્તિ