હું મારી ઋષિકેશ ટ્રીપમાં રોજે સાંજે ગંગાજી આરતી પછી આટો મારવા નિકડું, ત્યાં મને રામ ઝુલા પાસે એક કાકા રસ્તા પર સાઈડમાં બેસીને સરસ વાંસળી વગાડતા દેખાયા, હું એમને સાંભળવા ઉભી રહી,

પછી મેં એમને પૂછ્યું કે આપ કહા સે હો?

કાકા- મેં તો ગુજરાત સે હું..

પછી તો મેં ગુજરાતી માં ચાલુ કર્યું, શુ વાત છે કાકા હું પણ ગુજરાતી છું, તમે ક્યાંના છો?

કાકા- હું બેટા અમદાવાદનો છું

પછી અમારી વાતો ચાલુ થઈ, હું કાકા સાથે રોડ પર જ નીચે બેસી ગઈ અને મેં એમને આટલા બધા સવાલ કર્યા અને કાકાને સમજવાનો ટ્રાય કર્યો, મારો ગોવિંદ કાકા સાથેનો અનુભવ કંઈક આવો રહ્યો,

* કાકાના મમ્મી પપ્પા અમદાવાદ રહેતા પણ એમને નાનપણથી મામાના ઘરે ખેતીકામ માટે મોકલી દેવામાં આવ્યા હતા, જુવાન થયા એટલે એમના મમ્મી પપ્પા એમને અમદાવાદ બોલાવી લીધા, એ એક કાપડની મિલમાં નોકરી લાગ્યા, પછી એમના લગન થયા, એમની ત્યાં દીકરીનો જન્મ થયો પણ એ તરત મરી ગઈ, કંઈક અંગત તકલીફના લીધે એમની વાઈફ એમને છોડીને જતી રહી,

* થોડા સમય પછી કાકાના બીજા લગન થયા, એક દિવસ એ કંઈક કામ માટે ગયા હતા ત્યાં રેલવે સ્ટેશનમાં એમનો એક્સીડેન્ટ થયો અને એમનો એક પગ અડધો કપાઈ ગયો, એ હોસ્પિટલમાં હતા ત્યારેજ એમની વાઈફ અને એના ઘરનાં આવીને કીધું કે છૂટાછેડા આપી દો, તમારો પગ નથી તો અમારી દીકરી કેવી રીતે રેહશે, કાકાએ ખૂબ સમજવાનો ટ્રાય કર્યો પણ એ ના માન્યા. કાકાએ કીધું કે પગ વગર હું મીલની નોકરી માટે પણ નક્કામો થઈ ગયો, માં બાપ માટે પણ નકકામો અને ગામડે ખેતી માટે નકકામો થઈ ગયો. બધા અવગણના કરવા લાગ્યા, હડધૂત કરવા લાગ્યા. એમને પ્લાસ્ટિકનો આર્ટિફિશ્યલ પગ પહેરવા માટે કરાવ્યો અને એક દિવસ એ ઘર છોડીને નીકળી ગયા અને 25 થી 30 વરસથી અલગ અલગ જગ્યાએ જાય છે, ત્યાં રહે છે, વાંસળી વગાડે છે અને ખુશ છે. ચાર ધામથી લઈને અનેક તીર્થો એમને જોયા છે. એમને ચાલતા વાર લાગે છે પણ ધીમે ધીમે હું બધે જઇ આવ્યો બેટા, ફરવાની ખૂબ મજા આવે એવું એમને મને કીધું. અમુક વરસ પછી એ પૈસા ભેગા કરીને એમના મમ્મી પપ્પાને મળવા ગયા તો ત્યાં જઇને ખબર પડી કે એમના મા-બાપ ગુજરી ગયા છે એટલે પૈસા સગા વ્હાલાને આપીને પાછા નીકળી ગયા,

* પછી તો હું સવારે કાકા સાથે ચા પીવા પાછી ગઈ, અમે સાથે ચા નાસ્તો કર્યો અને સવાર સાંજ હું એમને મળવા જવા લાગી. એક દિવસ તો એમને મને ચા પીવડાવી કે બેટા આજે હું તને ચા પીવડાવીશ. મારી ફરવાની વાતો કરી, ગુજરાતની વાતો કરી અને કાકાને આટલા વરસમાં કેવા અનુભવો થયા એની આટલી બધી વાતો કરી,

* હું કાકા સાથે રોડ પર સાથે જ બેસી જઉં એટલે જતા આવતા બધા લોકો જોવે કે આ બેન આ કાકા સાથે કેમ બેઠા હશે, પછી હું અને કાકા હસીએ, કાકા કેહ બીજાનું વિચારવામાં જિંદગી વેડફવાની નઈ કારણકે લોકો તો ઉગતા સૂરજને પૂજે, જ્યારે તકલીફમાં આવીયે ત્યારે પોતાના પણ મોઢા બગાડવા લાગે એટલે બેટા પોતાને જે ગમે એ કરવાનું, આટલી સરસ વાત કાકાએ સહજતાથી અને એમના અનુભવથી કીધી,

* એક ભાઈ તો કાલે મારી પાછળ આશ્રમ સુધી આવ્યા, પછી મને પૂછ્યું કે,

‘ આપ વો બાબાજી કે સાથ રોઝ ક્યાં બાત કરતે હે? ‘ મેં કીધું, આપકો જાનકે ક્યાં કરના હે?,

એમને કીધું, યહાં ઇતને સારે બાબાજી હે આપને ઉનકે સાથ હી ઇતની બાત કી એસા કયું?,

મેં કીધું, વો હમારે ગુજરાત સે હે એન્ડ મૈને જબ ઉનકો પુછા કી આપકો કુછ ચાહિયે તો મુજે બતાઓ મેં લાકે દેતી હું તો ઉન્હોને બોલા કી ભગવાનકા દિયા હુઆ સબ કુછ હે મેરે પાસ, બેટા કુછ નહીં ચાહિયે. ઉનકી બાતો મેં જો સંતોષ થા વો મેરે દિલકો પસંદ આ ગયા ઇસલીયે,
પછી એ ભાઈ ઓકે કહીને જતા રહ્યા.

તો આવી હતી મારી ગોવિંદ કાકા સાથેની મુલાકાત અને મારી માસ્ટરપીસ અનુભવ. સાક્ષાત ગોવિંદ જેવો એમનો સંતોષી સ્વભાવ, નામની જેમજ મુરલી વગાડવાની અદા, નિખાલસ હાસ્ય, ભગવાન પરની એમની શ્રદ્ધા અને જીવનમાં હારીને પણ કેવી રીતે ખુશીથી જીવી શકાય એનું એ ઉદાહરણ છે.

કાલે મેં કાકાને કીધું આજે છેલ્લો દિવસ છે, પાછા મળીશું કે નહીં ખબર નહીં. મેં કીધું તમે મોબાઈલ પણ નથી રાખતા, તમને પાછા કેવી રીતે મળી શકાય? એમને કીધું બેટા હરિની ઈચ્છા હશે તો પાછા મળાવશે. મને માથા પર હાથ મૂકીને આશીર્વાદ આપ્યા, અમારી બંનેની આંખોમાં આંસુ આવી ગયા અને મેં એમને આવજો કર્યું.

ખાસ નોંધ: “હારકે જીતને વાલો કો બાઝીગર કેહતે હે”, આવા ડાયલોગ બોલવા વાળાના તો આપણે બધા ઘણા ફેન બન્યા હોઈશું, પણ ક્યારેક તમારી આજુબાજુ ફરતા આવા સાચા બાઝીગરો જોડે વાત કરજો તો પછી સાચા બાઝીગર ના ફેન થઈ જશો. મને તો ખુશીની, સંતોષની અને જીવન જરૂરિયાતની એક નવી જ વ્યાખ્યા સમજાઈ ગઈ.

ફોટા- Click Here

વિડિઓ સ્ટોરીઝ – Click Here

આવી જ બીજી હરવા ફરવાની વાતો કરતી રહીશ.

ખૂબ પ્રેમ સાથે,
પંક્તિ

Pankti Shah - Author

ફરવું બધાને જ લગભગ ગમતું હોય છે, પણ બધા ફરી ના શકે એવું એમને લાગતું હોય છે. એવું ઘણીવાર મેં સાંભળ્યું છે કે હું નસીબદાર છું કે હું ફરી શકું છું. પણ નસીબ અને ફરવાને કઈ લાગતું વળગતું નથી. જો આપડે ખરેખર ફરવું જ હોય તો રસ્તા નીકડી જ જાય, અને ટ્રાવેલ કરવા માટે તમે જે કરતા હોય એ છોડવાની પણ જરૂર નથી. તમે કામ ની સાથે સાથે ફરી શકો છો. હું 6 વરસથી ટ્રાવેલ કરું છું, એની સાથે મારો ડિજિટલ માર્કેટિંગ નો Business પણ ચલાવું છું, ઘર પણ સાચવું છું.

You Might Also Like

Enter Your Comments Here..