આ એક એવી જગ્યા છે જ્યાંથી મારી લાઈફે એક અલગ જ દિશામાં ટર્ન લીધો હતો. મેં વિચાર્યું હતું કે હું જોબ છોડીને બિઝનેસ ચાલુ કરીશ ત્યારે એક વરસનો બ્રેક લઈશ એટલે 2015 માં જાન્યુઆરીમાં હું એક યોગા ના કોર્ષ માટે પરમાર્થ નિકેતન આશ્રમમાં આવી. પરમાર્થ નિકેતન આશ્રમ ઋષિકેશમાં રામ ઝુલા પાસે ગંગાજીના તટ પર આવેલો છે. આ આશ્રમ બઉજ મોટો છે, અંદર ઘણા નાના મોટા મંદિર છે, ગાર્ડન વ્યૂ અને ગંગાજી વ્યૂ વાળા રૂમ છે અને અહિયાની ગંગાજી સંધ્યા આરતી ખૂબ ફેમશ છે.
એ મારી સૌથી પહેલી સોલો ટ્રીપ હતી, એ 15 દિવસમાં હું યોગા અને ધ્યાનની સાથે પોતાની માટે જીંદગી જીવતા પણ શીખી, લાઈફને જોવાનો મારો નજરીયો જ બદલાઈ ગયો. કોર્ષમાં લગભગ બધા ફોરેનર હતા, એ મારા મિત્રો બન્યા અને એમની લાઈફ મેં સમજવાનો ટ્રાય કર્યો કે એ લોકો તો ઘણાં નાના હોય ત્યારથી એકલા ફરતા હોય છે. મને સ્ટારટિંગના દિવસોમાં થોડું અઘરું લાગ્યું પણ પછી મજા આવી લાગી. મેં નક્કી કર્યું કે હું પણ એકલા ફરવાનો ટ્રાય કરીશ. મારા કોર્ષ પછી હું અહીંયાંથી જ ઉત્તરાખંડમાં આગળ નૈનિતાલ ફરવા જતી રહી અને પછી તો આખું 2015 માં હું ઘરે બઉ થોડા દિવસ રહી અને ફર્યા જ કરી. એ વરસમાં હું ભારતની ઘણી બધી જગ્યાઓ, ઘણા આશ્રમો અને ઋષિકેશમાં 3 મહિના રોકાઈ. અને એ પછી તો આજ સુધી ફરવાનું ચાલુ જ રાખ્યું છે.
આજે હું તમને પરમાર્થ નિકેતન આશ્રમની વધારે વાત કરીશ કે જ્યાંથી મારી લાઈફ ચેન્જ થઈ, મારો અનુભવ કહીશ અને તમે ત્યાં કેવી રીતે જઈ શકો છો એ પણ કહીશ.
* આશ્રમની લાઈફ સાદી અને સરળ હોય છે એટલે મને એ સાદગી મારા રોજિંદા જીવનમાં અપનાવવા મળી અને એ એક બઉ મોટું વરદાન સાબિત થયું છે, સાદગી અને સરળતામાં જે આનંદ મળે છે એ અનેરો હોય છે,
* યોગ અને ધ્યાનનો પ્રવેશ મારા જીવનમાં આ આશ્રમથી થયો છે અને એ પછી યોગા ટીચર બનવા સુધીની જર્નીમાં એ અનુભવ સતત કામ લાગ્યો છે, યોગ અને ધ્યાને મને નિખાલસ અને શાંત બનતા શીખવાડ્યું,
* આશ્રમમાં જમવાના વધારે ઓપશન ના હોય, સાદું જમવાનું હોય. આમતો નાનપણથી મને જમવાના બઉ ચટાકા નથી પણ બધા આશ્રમમાં રહેવાના અનુભવથી આજે મને કોઈ પણ જગ્યાએ ખાવા પીવામાં કોઈ તકલીફ નથી થતી. એક સિમ્પલ ફંડા છે, ભાણે આવે એ બધું જ ભાવે..
* પોતાની સાથે પ્રેમ કરતા ત્યારે શિખાય જ્યારે આપણે પોતા સાથે વાત કરીએ, આપણે ડેઇલી રૂટિનમાં એટલા બધાની આસપાસ ઘેરાયેલા હોઈએ કે આપણને પોતા સાથે વાત કરવાનો મોકો જ નથી મળતો, બાકી ના સમયમાં વોટ્સઅપ અને મોબાઈલ હોય જે નવરા જ ના પડવા દે એટલે આશ્રમ જીવને મને પોતા સાથે વાત કરતા, પોતાને પ્રેમ કરતા, પોતાને વહાલ કરતા અને પોતામાં ખોવાઈ જતા શીખવ્યું એટલે આજે હું ક્યાંય પણ એકલા ટ્રાવેલ કરી શકું છું અને ક્યાંય પણ એકલા રહી શકું છું,
આ બધા સિવાય આશ્રમ લાઈફથી મને બીજુ ઘણું શીખવા મળ્યું જેમ કે અજાણ્યા સાથે વાત કેવી રીતે ચાલુ કરવી, સાદગીમાં સ્ટાઈલિસ્ટ કેવી રીતે ફીલ કરવું, પશુ-પક્ષી પ્રેમ, નેચર પ્રેમ, પ્રભુભક્તિ અને પોતાની માટે જીવતા શીખવાડ્યું.
તમારે આવો અનુભવ કરવો હોય તો તમે પરમાર્થ નિકેતન આશ્રમમાં જઈ શકો છો અથવા કોઈ પણ નજીકના આશ્રમમાં જઈ શકો છો. હું તમને અવનવા આશ્રમની વાતો તો કરતી જ રહીશ.
પરમાર્થ નિકેતન માં અલગ અલગ પ્રકારના કોર્ષ થાય છે જે તમે એમની વેબસાઈટ પર ચેક કરી શકો છો, એના ચાર્જીસ અલગ અલગ હોય છે. ખાલી રહેવા જવું હોય તો રૂમ પણ બુક કરાવી શકાય છે, એ પણ એમની વેબસાઈટ પરથી જ થઈ શકશે. એક રૂમમાં 2 જણ રહી શકે એના ચાર્જીસ 1000 Rs. હોય છે, જેમાં આશ્રમની એકટીવીટી જેવી કે જનરલ યોગા કલાસ, ગંગાજી આરતી અને સત્સંગમાં જઈ શકાય છે. વધારે ડિટેઇલ્સ તમને આ વેબસાઇટ માંથી મળી રહેશે- www.parmarth.org
ખાસ નોંધ: તમે અલગ અલગ દેશ દુનિયા ફરવાનું લિસ્ટ બનાવ્યું હશે, એમાં આશ્રમમાં રહેવાનું એક વખત ઉમેરજો. તમને મજા તો આવશે જ પણ પછી જ્યારે તમે પોતાની માટે જીવતા શીખશો તો તમારી લાઈફ જ બદલાઈ જશે અને દિલ એકદમ ગાર્ડન ગાર્ડન જ રહેશે. આ પોસ્ટમાં મેં મારા ઋષિકેશનાં અમુક પહેલાંના ફોટો પણ મુક્યા છે.
ફોટા- Click Here
વિડિઓ સ્ટોરીઝ – Click Here
આવી જ બીજી હરવા ફરવાની વાતો કરતી રહીશ.
ખૂબ પ્રેમ સાથે,
પંક્તિ