મારી દ્વારકા ટ્રિપ દરમ્યાન હું નાગેશ્વર મહાદેવના આશીર્વાદ લઈને ગોપી તળાવ ગઈ હતી. ગોપી તળાવની હિસ્ટ્રિ પણ સરસ છે એ હું બીજી પોસ્ટમાં કહીશ. ત્યાં હું બધે દર્શન કરતા કરતા ફરી રહી હતી, ત્યાં મને એક દાદા દેખાયા. એ દાદા ઓટલા પર એમની વ્હીલ ચેરમાં બેઠા હતા અને આવતા જતા બધાને રાધે રાધે કેહતા હતા. એમના મોઢા પર એક અલગ જ તેજ અને નિખાલસતા હતી. એમના ઘરના ચોકમાં રાધાજીનું મંદિર હતું. હું દાદાની નજીક ગઈ અને રાધે રાધે કીધું. દાદાએ કીધું બેટા અંદર દર્શન કરી આવ, હું દર્શન કરીને ફરી દાદા પાસે આવી અને જેમ ઘણી જગ્યાએ દર્શન પછી દાન આપવા માટે લેકચર આપવામાં આવતા હોય છે પણ દાદાએ એવું કંઈજ કર્યું નહીં અને એમની આ વાત મને બઉ ગમી ગઈ. બાકી મને તો ઘણી જગ્યાએ ફીલ થયું કે આ ભગવાનના નામે ઉઘરાણી કરવા વાળા માટે ભગવાન શું વિચારતો હશે? દર્શન કરીને પછી હું પાછી દાદા સાથે વાત કરવા ગઈ, ત્યાં એટલામાં બા ની એન્ટ્રી પડી, મેં કીધું રાધે રાધે બા. મારી બા દાદાના ઘરની મુલાકાત કંઈક આવી રહી,

બા- રાધે રાધે બેટા,

મેં કીધું- બા, તબિયત કેવી છે?

બા- ભગવાનની દયા છે, સરસ છે આપણું આપણું થાય છે અને માતાજી ભૂખ્યાં નથી સુવાડતા એનાથી વધારે શું જોઈએ,

મેં કીધું- બા તમે સાવ સાચી વાત કીધી, તમારાથી ઘરનું કામ થાય છે?

બા- મારો દીકરો વહુ અહીંયા આગળ જ રહે છે, અમારી વહુ બઉ સારી છે, જમવાનું બનાવી જાય છે અને બધું કામ કરી જાય છે. અહીંયા એક જ રૂમ છે એટલે એ લોકો આગળ બીજે રહે છે. હું અને દાદા તો વરસોથી રાધામાં ની સેવા કરીએ છે. તારા દાદા તો સવારે 5 વાગ્યાથી રાધે રાધે બોલવાનું ચાલુ કરી દે પછી મારે કહેવું પડે કે રાધામાં ને શાંતિ થી સુવા દો.

મેં હસતા હસતા કીધું- બા સારું કેહવાય તમેં અને દાદા વરસોથી મંદિર સંભાળો છો, તમારો દીકરો વહુ સરસ છે અને તમે આવી સરસ સંતોષથી ભરેલી જીંદગી જીવો છે. દાદાની અને તમારી ઉંમર કેટલી છે?

દાદા- હું 101 વરસનો છું,

બા- હું તારા દાદા કરતા 10 વરસ ઝીણકી છું,

મેં કીધું- દાદા શું વાત કરો છો તમે 101 વરસના છો અને બા તમે 91 વરસના. તમને હું વંદન કરું છું કે તમે આ ઉંમરે આટલી સરળતા અને હિંમતથી જીવો છો,

બા- તારા દાદાને પેરેલીસીસ થઈ ગયો છે બાકી તો બઉ દોડીને દોડીને બધું કરતા હતા, હવે હું એમને સાચવું, અમે બંને મંદિર સાચવીએ અને માતાજી અમને બંનેને સાચવે છે,

મેં કીધું- બા તમારું ઘર બતાવો પછી હું અને બા ઘરમાં ગયા, બા એ એમની રૂમ બતાડી અને મેં કીધું બઉ સરસ છે બા, મને બઉ ગમી,
બા- તો રોકાઈ જા, મેં કીધું બા ફરી આવીશ ત્યારે રોકાઈશ. પછી મેં અને બા એ થોડી લેડીઝ ટોક કરી જેમાં મેં ઘણા સવાલ કર્યા અને બાએ મને કર્યા,

મેં કીધું- બા હવે હું જઉં છું, દાદાને મળી લઉં અને રાધાજીના ફરી દર્શન કરી લઉં, બાએ મને પ્રસાદ આપ્યો, મેં દર્શન કર્યા અને અમે દાદા પાસે ગયા,

દાદા- રાધે રાધે બેટા,

મેં કીધું- દાદા આવજો, તબિયત સાચવજો. દાદાને થોડું ઓછું સંભળાય છે પણ બા બોલે તો સમજી જાય એટલે બા એ કીધું તમને આવજો કેહ છે. દાદાએ બે હાથ ઉપર કરીને આશીર્વાદ આપ્યા, સાચું કહું તો એવું લાગ્યું જાણે મારો માધવ ત્યાં ગોપી તળાવ આટો મારવા આવી ગયો અને મને આશીર્વાદ આપ્યા,

બા- બેટા તું ફરી આવીશ ત્યારે અમે જીવતા હોઈશું કે નહીં ખબર નથી, પણ આ મંદિરના દર્શન કરીને અમને યાદ કરજે અને તું બઉ સુખી થઇશ. તે અમારા જેવા નાના માણસ સાથે આટલી વાત કરી, અમારા જેવા ઘરડાને જુવાનિયાઓ ક્યાં બોલાવે તે આટલી વાતો કરી એ અમને બઉ ગમ્યું,

મેં કીધું- બા, પેહલા તો નાના માણસ મોટા માણસ એવી કોઈ સિસ્ટમ જ નથી, ભગવાને ખાલી માણસ બનાવ્યા છે, આપડે આ નાના મોટાના ચક્કરમાં નથી પડવું. તમે મને આશીર્વાદ આપો અને હું ફરી આવીશ ત્યારે મળીશું, દાદાને તમે સાચવજો અને તમને રાધાજી સાચવજે. પછી મેં બા દાદાના પગે લાગીને આશીર્વાદ લીધા અને અમૂલ્ય ખજાનો મળ્યો હોય એવો એહસાસ થયો.

બા- બેટા ઘર માટે ગોપી ચંદન તો લઈ જા, મેં કીધું હા બા લાવો લેતી જાઉં.

બા, દાદા- આવજે બેટા

હું ખુશીથી- આવજો બા દાદા.

તો આવી હતી મારી આ સુપર બા દાદા સાથેની મુલાકાત. મને થયું કે આ વેલેન્ટાઇન ડેમાં કદાચ બેસ્ટ કપલ મારે ડીસાઈડ કરવાનું હોય તો હું બા દાદાને સિલેક્ટ કરું. મારા હિસાબે ડેકોરેશન કરી દેવાથી, ગુલાબ આપવાથી કે ગીફ્ટો આપી દેવાથી પ્રેમ પુરવાર નથી થતો પણ પ્રેમ તો આંખોમાં દેખાય છે. મોબાઈલ સ્ક્રીનમાં ઉભરાતો પ્રેમ બીજાને બતાડવા માટે હોય છે અને એ મોબાઈલની સ્ક્રીન સાથે તૂટી પણ જતો હોય છે. પણ આંખોમાં થયેલો અને રહેલો પ્રેમ છેલ્લે આંખો બંધ થાય ત્યાં સુધી રહે છે. મને આ બા દાદાને મળવાની ખૂબ મજા આવી, અને સમજાયું કે આ મોબાઈલ સ્ક્રીન વાળા પ્રેમ કરતા આંખો વાળો પ્રેમ વધારે સારો.

ખાસ નોંધ: એવું થઈ જાય તો કેટલી મજા આવે,

*જ્યારે આપણે બધા મોબાઈલ સ્ક્રીનથી નહિ પણ આંખથી પ્રેમ કરીયે,
*Take Care રોજે મેસેજમાં લખવા કરતા સાચેમાં કાળજી રાખીએ,
* I love you કેહવા કરતા પાર્ટનરને પ્રેમનો અનુભવ કરાવીએ,
* ડેકોરેશન ને એવું બધું કરવામાં જે ટાઈમ લાગે એટલો ટાઈમ એકબીજાને હૂંફ આપવામાં અને લાડ કરવામાં વિતાવીએ,
* પ્રેમ બર્થડે, એનિવર્સરી અને બીજા ખાસ દિવસે બતાડવા કરતા રોજેરોજ ની વાણી અને વર્તનમાં દેખાડીએ,
અને આવો પ્રેમ કરનારને કદાચ જૂનવાણી કેહવાય અને આજના જમાનામાં Cool તો જરાય ના કેહવાય તોપણ આપણે અંદરથી ખુશ થઈએ કે અમે તો આમાં જ ખુશ છે. અને હા, આ મારા વિચાર છે એટલે જરૂરી નથી કે હું બધા માટે કહી રહી છું. આતો મને આવું લાગે છે એ મેં લખ્યું છે.

ફોટા- Click Here

વિડિઓ સ્ટોરીઝ – Click Here

આવી જ બીજી હરવા ફરવાની વાતો કરતી રહીશ.

ખૂબ પ્રેમ સાથે,
પંક્તિ

Pankti Shah - Author

ફરવું બધાને જ લગભગ ગમતું હોય છે, પણ બધા ફરી ના શકે એવું એમને લાગતું હોય છે. એવું ઘણીવાર મેં સાંભળ્યું છે કે હું નસીબદાર છું કે હું ફરી શકું છું. પણ નસીબ અને ફરવાને કઈ લાગતું વળગતું નથી. જો આપડે ખરેખર ફરવું જ હોય તો રસ્તા નીકડી જ જાય, અને ટ્રાવેલ કરવા માટે તમે જે કરતા હોય એ છોડવાની પણ જરૂર નથી. તમે કામ ની સાથે સાથે ફરી શકો છો. હું 6 વરસથી ટ્રાવેલ કરું છું, એની સાથે મારો ડિજિટલ માર્કેટિંગ નો Business પણ ચલાવું છું, ઘર પણ સાચવું છું.

You Might Also Like

Enter Your Comments Here..