શાંતા માસી, અમારી હોમ મેનેજર કાજલ ના મમ્મી અને મારા માસી જે બાલાસિનોર પાસે આવેલા રૈયોલી ગામમાં રહે છે. ફોનમાં ઘણી વાર મને કાજલ વાત કરાવે ત્યારે હંમેશા કેહતા કે બેન તમે અમારા ઘરે આવો એટલે હમણાં હું એમના નણંદના ત્યાં લગનમાં પણ જઈ આવી અને એમના ઘરે પણ જઈ આવી. શાંતા માસી સાથે વાતો ઓછી કરી પણ એમને સમજવાની મેં કોશિષ કરી, મારી સમજણ કંઈક આવી રહી,
* શાંતા માસી પોતે 2 ધોરણ ભણેલા હોવા છતાં એમની 4 દીકરી અને 1 દીકરાને ખૂબ સરસ ભણાવ્યા છે એટલે આના પરથી મને એ સમજાય છે કે માવતર ભણેલા હોય તો જ બાળકો ભણી શકે તો એવું નથી હોતું, કંઈપણ કરવા અને કરાવવાની ખાલી ચાહ જ હોવી જોઈએ,
* માસી આખો દિવસ ઘરનાં કામ કરે, ખેતરનાં કામ કરે, ગાયો ભેંસોને સાચવે, ડેરીમાં દૂધ ભરે અને બીજા ઘર ખેતરને લગતા બધા જ કામ કરે તોપણ એ થાકવાની જરાય વાતો ના કરે, એવું કેહ કે બેન કામ કરીયે તોજ તાજામાજા રેહવાય, એમની આ વાત મને બઉ ગમી ગઈ કારણ કે આપડે સિટીમાં તો વાસણ ઘસવા વાળા માસી એક દિવસ રજા પર હોય તો એ થાકની વાતો આખી સોસાયટીમાં ફરતી હોય,
* સંતોષથી છલકાતું એમનું હાસ્ય અને નિર્દોષ ચેહરો જોઈને મને એમ થયું કે આપણીતો સંતોષની વ્યાખ્યા કંઈક અલગ જ છે, માસી ક્યાંય ફરવા નથી જતા, આખો દિવસ કામ કરે, ખેતર જાય અને તોપણ જીવન પ્રત્યેનો આટલો સંતોષ એમને કેવી રીતે કેળવ્યો હશે અને એની સામે આપણે એક વિકેન્ડ ક્યાંય ના જઈએ તો એવું લાગે કે લાઈફમાં મજા નથી આવી રહી,
* માસીએ મસ્ત ગરમ ગરમ રોટલા સાથે જમવાનું જમાડયું અને મને જરાય તકલીફ ના પડે એનું ધ્યાન રાખ્યું,
* શાંતા માસીના આજુબાજુમાં રહેતા બીજા બધા માસી સાથે પણ વાતો કરી અને કીધું ફરી આવીશ ત્યારે તમારા બધાના ઘરે ચા પીવા આવીશ,
* જવાના ટાઈમે માસીએ એજ કીધું બેન ફરી રોકાવાય એમ આવજો, ડાયનાસોર પાર્ક હમણાં બંધ છે એટલે તમે ફરી આવો ત્યારે સાથે જઈશું અને કાજલને તમારી નાની બેનની જેમ રાખજો અને જયદીપ એટલે એમનો દીકરો ભણી લે પછી આગળ એને શું કરવું એ કહેજો.
આવો હતો મારો શાંતા માસીને ઓળખવાનો પ્રયાસ, વંદન છે મારા આ બધી માતાઓને કે જે સંતોષથી જીવવાનું ઉદાહરણ પૂરું પાડે છે અને નિખાલસતાથી જીવે છે. તમે બધા મને એવા આશીર્વાદ આપો કે હું આવી અનેક માતાઓને મળી શકું, એમને સમજી શકું, એમને પ્રેમ કરી શકું, એમને ખુશીની થોડી પળો આપી શકું અને તમારી બધા ની સાથે મારા આ અનુભવો શેર કરી શકું.
ખાસ નોંધ: આ અનુભવ કરવા માટે માસી સાથે બેસીને વાતો કરવી પડે, એમની વાતો સાંભળવી પડે, આપડે આપડી સિટીની વાતોની હોંશિયારીમાંથી બહાર ના આવીયે તો એ ખુલીને વાત જ ના કરી શકે, એ અંદરથી એવું વિચારે કે આ મોટા માણાં કહેવાય એની સામે આપડી વાતો રજૂ ના કરાય એટલે તમે સમજી ગયા હશો કે કેવી રીતે આ અનુભવ થઇ શકે.
ફોટા- Click Here
વિડિઓ સ્ટોરીઝ – Click Here
આવી જ બીજી હરવા ફરવાની વાતો કરતી રહીશ.
ખૂબ પ્રેમ સાથે,
પંક્તિ