હું દ્વારકાથી વડોદરા જતી હતી ત્યારે રસ્તામાં લીમડી હાઇવે પાસે લાઈનસર જામફળ અને બોરની લારીઓ દેખાવા લાગી, હું વિચારતી જ હતી કે ક્યાંક ઉભી રાખું, પાણી પીવું અને જામફળ અને બોર ઘર માટે લઈ લઉં. સુમિતા બેનનો કપાળનો મોટો ચાંલ્લો દૂરથી દેખાઈ ગયો અને મેં હેરિયર ત્યાં ઉભી રાખી. મારો અનુભવ કંઈક આવો રહ્યો,
મેં સુમિતાબેનને પૂછ્યું- તમારું નામ શું છે?
સુમિતાબેન- એમને હાથ આગળ કરીને ટેટૂ બતાડયું કે મારું નામ સુમિતા છે, અને આ રાજેશ એ મારા ઘરવાળાનું નામ છે.
મેં કીધું- તમે ખાલી સીઝનમાં જામફળ વેચો કે આખું વરસ?
સુમિતાબેન- જામફળની સીઝનમાં જામફળ અને બોર, પછી કેરી ગાળામાં મુંબઇ જઈએ અને ત્યાં કેરી વેચીએ,
મેં કીધું- બઉ સરસ કેહવાય એટલે તમે સારો ધંધો કરો છો,
સુમિતાબેન- હા બેન મેહનત કરીયે છે, બે બાબા અને એક બેબી છે અને બેબીતો પરણાવા જેવડી છે એટલે મેહનત કરીએ છે.
મેં કીધું- આ જામફળ ક્યાંથી લાવો છો?
સુમિતાબેન- બેન અહીંયા જ થોડે આગળ અમારી વાડી છે ત્યાંથીજ તોડીને લાવીએ છે,
મેં કીધું- મને તમારી વાડી બતાવશો?
સુમિતાબેન- એકદમ ખુશ થતા થતા બોલ્યા બેન તમે આવશો?
મેં કીધું- હા ચાલો ગાડીમાં બેસી જાઓ પછી તમને પાછા અહીંયા ઉતારી દઈશ,
* આજુબાજુમાં બીજી એમની બેન, ભાઈ, હસબન્ડ બધાની લારી હતી એટલે મેં કીધું કોઈને સાચવવાનું કહી દો. એમને રાજેશભાઈ ને બોલાવ્યાં અને કીધું હું આવું છું તમે ધ્યાન રાખજો. રાજેશભાઇ એ કીધું મારે પણ સાથે આવું છે એટલે એ પણ ગાડીમાં બેઠા. અમે ત્રણેય એમની વાડીમાં ગયા. એમને મને આખી વાડી ફેરવી, અમે જામફળ તોડ્યા, રીંગણ તોડ્યા, વલયારીના છોડ જોયા અને એમનું ઘર જોયુ,
* રાજેશ ભાઈએ કીધું બેન મારે કોઈ બેન નથી એટલે આજથી તમે મારા બેન છો, સુમિતાબેન એ કીધું બેન તમે દ્વારકાધીશના દર્શન કરીને અમારા ઘરે આવ્યા એટલે તમે અમારા માટે કાનુડા જેવા છો. મેં કીધું હું બેન જ બરાબર છું અને અમે બધા હસ્યાં.
* સુમિતાભાભીએ કીધું, આ રીંગણ તોડી આપું છું એનો ઘરે જઈને ભાઈને ઓળો બનાવી આપજો, મેં કીધું પાક્કું બનાવીશ અને તમને ફોટો મોકલીશ.
* થોડીવારમાં તો વાતાવરણ ખુશખુશાલ થઈ ગયું, મેં કીધું ચલો હવે જઈએ. ભાઈ ભાભી બોલ્યા પાછા ક્યારે આવશો, મેં કીધું ગીર જઈશ ત્યારે આ સાઈડથી જઈશ અને ત્યારે તમારા ઘરે જમીશ. રાજેશભાઈએ મને પૈસા આપ્યા, હું સ્તબ્ધ થઈ ગઈ અને મેં કીધું મારાથી ના લેવાય, એમને કીધું તમને બેન બનાવ્યા છે અને બેનને ખાલી હાથે ના મોકલાય. હું કંઈ બોલી ના શકી, હસીને ખિસ્સામાં મૂકી દીધા.
* બધાને આવજો કર્યું અને અમે ત્રણેય લારી પર જવા નીકળ્યા. સુમિતાબેને કીધું બેન ગાડીનો કાચ ખોલી દો અને પછી એ આખી લારીની લાઈનમાં બધાને હાથ કરતા કરતા ગયા અને એમની લારી પાસે જઈને અમે ઉભા રહ્યા. બીજા આજુબાજુમાં બધાને મળી અને ફરી આવાની ખાતરી આપી. પછી આટલા બધા જામફળ અને બોર ખરીદ્યા, ભાઈ ભાભી પૈસા લેવાની ના પાડતા હતા, મેં કીધું ‘બેન’ ભાઈને નુકસાન ના કરાવે એવુ કહીને જબરદસ્તીથી આપ્યા.
* ભાઈ ભાભીએ કીધું બેન અમારી સેજલના લગન માં તમારે આવું જ પડશે, મેં કીધું તમે ફોઈ બનાવી છે તો ફોઈ લગનમાં ફુલેકા લઈને ચોક્કસ આવશે, બધા હસી પડ્યા. બેન પહોંચીને ફોન કરજો. મેં કીધું હા કરીશ.
* એક અલગ જ ખુશી સાથે હું ગાડીમાં બેઠી અને આવજો આવજો કરતા હું અને હેરિયર નીકળી ગયા, મારી આંખમાં આંસુ આવી ગયા, હેરિયરે મને કીધું, પંક્તિ આ જ તો આપણી લાઈફ છે, હજી આવા બઉ સરસ વ્યક્તિઓને આપણે મળવાનું છે અને ઢગલાબંધ અનુભવો તારે બધા સાથે શેર કરવાના છે. તારા આ ખુશીના આંસુ હું સમજી શકું છું, ચલ તને મસ્ત સોન્ગ સંભળાવું.
આવી હતી મારી ભાઈ ભાભી સાથેની મુલાકાત. જ્યાં વાત જામફળથી લઈને લગ્નના ફુલેકા સુધી પહોંચી ગઈ. જ્યાં મને નિસ્વાર્થ પ્રેમ અને લાગણીનો ભરપૂર અનુભવ થયો, જ્યાં થોડીક જ વારમાં ખુશી ખુશી થઈ ગઈ અને મારુ દિલ સાકર સાકર થઈ ગયું. ઘરે આવ્યા પછી પણ એમને મારી ફેમીલી સાથે વીડિઓ કોલમાં ઓળખાણ કરી અને મારી હાલચાલ પૂછતાં રહે છે.
ખાસ નોંધ- ક્યારેક આપણને કોઈ સંબંધ બનાવતા, એને સમજતા અને ક્યારેક એને નિભાવતા વરસો વીતી જાય છે, પણ કોઈકવાર એવું પણ બને કે આ બધું કલાકોમાં થઈ જાય અને આપણે વિચારતા જ રહી જઈએ કે આવું કેવું યાર?
ફોટા- Click Here
વિડિઓ સ્ટોરીઝ – Click Here
આવી જ બીજી હરવા ફરવાની વાતો કરતી રહીશ.
ખૂબ પ્રેમ સાથે,
પંક્તિ