મને કોઈ પૂછે કે પંક્તિ એવી કઈ જગ્યા છે જ્યાં તને વારંવાર જવું ગમે તો મારો જવાબ હશે કે મને આશ્રમમાં રહેવું બહુ ગમે છે. મારા 2019 ના બર્થડે પર હું ઋષિકેશ એક આશ્રમમાં ગઈ હતી જેનું નામ છે ફૂલછત્તી આશ્રમ, અહીંયા હું ત્રણ વખત જઈ આવી છું. કાલે રાત્રે જ હું મારા આશ્રમના એક ફ્રેન્ડ સાથે વાત કરતી હતી તો આજે અને મને થયું આજે હું મારો આશ્રમ નો અનુભવ તમારી સાથે શેર કરું. તમે કદાચ કોઈક આશ્રમમાં રહ્યા હશો તો તમને ખ્યાલ હશે કે આશ્રમ નું જીવન સરળ અને સાદગીવાળું હોય છે. છેલ્લા છ વર્ષથી હું મારા દરેક બર્થડે માં ક્યાંક ને ક્યાંક એકલા ફરવા જતી હોઉં છું પણ છેલ્લા ત્રણ વરસથી હું આશ્રમમાં યોગા વેકેશન માટે જઉં છું.

આશ્રમની લાઈફ કંઈક આવી હોય છે,

* સવારે 5 વાગે ઉઠવાનું પછી મેડિટેશન કલાસ, મંત્ર જાપ, જલનેતી, પ્રાણાયામ અને યોગ કલાસ હોય,

* 9 વાગે એકદમ સરસ ગંગાજીને જોતા જોતા બ્રેકફાસ્ટ કરવાનો હોય,

* એના પછી કર્મ યોગમાં આશ્રમની અને પોતાના રૂમની સાફ સફાઈ કરવાની હોય,

* 10.30 થાય એટલે નેચર વોકમાં બધા દિવસે અલગ અલગ રૂટમાં વોક કરવા બધાએ સાથે જવાનું, આ નેચર વોક મૌન રાખીને કરવાનું હોય,

* બપોરે 12.30 એ જમવાનું હોય અને પછી રીડિંગ ટાઈમ હોય,

* 3 વાગે યોગ વિશે લેકચર હોય અને પછી યોગ ક્લાસ અને પ્રાણાયામ પ્રેક્ટિસ હોય,

* 7 વાગે મંદિરમાં આરતી હોય અને પછી ભજન સંધ્યા,

* 7.30 એ જમવાનું અને પછી સુતા પેહલા મેડિટેશન હોય,

* 7 દિવસના આ વેકેશન માં છેલ્લાં દિવસે સાંસ્કૃતિક પ્રોગ્રામ

હોય અને એમાં બધા પોતાના દેશની વિશેષતા રજૂ કરે, હું બધાને આપડી ગુજરાતી ટીમલી રમતા શીખવાડું,

* આના સિવાય અહીંયા હવન, ગંગાજી સ્નાન, વૉટરફોલ ટ્રેક અને બીજી ઘણી એકટીવીટી થતી હોય છે.

આટલું સુંદર અને સાત્વિક આશ્રમ જીવન હોય, જ્યાં ફ્રેન્ડ્સ બને પણ એમની સાથે વાતો ઓછી અને પોતાની સાથે વધુ વાતો થાય, જ્યાં પોતાનું કામ જાતે કરવાની એક અલગ મજા આવે, જ્યાં કોઈ કોઈને જજ ના કરે, જ્યાં તમે કેવા કપડાં પહેર્યા છે એ ખાલી તમારા સિવાય કોઈને ફરક ના પડે, જ્યાં સાદગી અને સામાન્ય જીવન પણ તમને ખુશી આપે, જ્યાં મેકઅપ ના કરીયે તોપણ મોંઢા પર તેજ લાગે, જ્યાં તમને કોઈ સાંસારિક સંબંધોની યાદ ના આવે, જ્યાં બર્થડે માં કેટલા કોલ આવ્યા એના કરતાં દિલને કેટલી ઠંડક થઈ એ અનુભવાય, કુદરતને મન મુકીને માણી શકાય અને જ્યાં તમને એકલતા માં વિવિધતા છે એવો અનુભવ થાય.

તમે ક્યારેય આવું વેકેશન ટ્રાય કર્યું છે?? આના સિવાય હજી બીજા ઘણા આશ્રમમાં હું રેહવા ગઈ છું, એક પછી એક અનુભવ તમને કહીશ.

ખાસ નોંધ- આવી બધી જગ્યાએ જતા પહેલા ઘરે કહીને જવાનું કે હું આ 7 દિવસ કોઈની દિકરી, દીકરો, પતિ, પત્ની, સાસુ, વહુ, સસરા( જેને જે લાગુ પડતું હોય એ) એટલે કે હું આ કંઈજ નથી, હું હું છું એટલે તમે બધા જાતે બધું મેનેજ કરી લેજો અને મને આ 7 દિવસ માટે ભૂલી જજો. અને એતો ખાલી આપડા મનમાં એવું હોય કે હું નઇ હોઉં ત્યારે સમજાશે કે કેવી તકલીફ પડશે પણ ખરેખર કોઈને કઇ તકલીફ પડતી નથી, બધા બધું મેનેજ કરી જ લેતા હોય છે એટલે એવાં ખોટા વહેમ માં નહીં રહેવાનું અને થોડા દિવસ પોતા માટે જીવી લેવાનું.

તમે જાઓ ત્યારે ગંગાજીને મારા પ્રણામ કહેજો અને કચરાફેંકૂ મહેરબાની કરીને આવી જગ્યાઓ પર જવાનું ટાળજો, તમે તમારા ઘરે અને સિટીમાં જ રહીને કોઈ કેફે માં જઈને ફુગ્ગા ના ડેકોરેશનમાં જ બર્થડે ઉજવજો, કુદરતને માણવાની ઈચ્છા ના રાખતા.

તમારે મારી આ જગ્યાનાં ફોટા જોવા હોય તો નીચેની લિંક પર ક્લિક કરીને જોઈ શકશો.

ફોટા- Click Here

વિડિઓ સ્ટોરીઝ – Click Here

આવી જ બીજી હરવા ફરવાની વાતો કરતી રહીશ.

ખૂબ પ્રેમ સાથે,
પંક્તિ

Pankti Shah - Author

ફરવું બધાને જ લગભગ ગમતું હોય છે, પણ બધા ફરી ના શકે એવું એમને લાગતું હોય છે. એવું ઘણીવાર મેં સાંભળ્યું છે કે હું નસીબદાર છું કે હું ફરી શકું છું. પણ નસીબ અને ફરવાને કઈ લાગતું વળગતું નથી. જો આપડે ખરેખર ફરવું જ હોય તો રસ્તા નીકડી જ જાય, અને ટ્રાવેલ કરવા માટે તમે જે કરતા હોય એ છોડવાની પણ જરૂર નથી. તમે કામ ની સાથે સાથે ફરી શકો છો. હું 6 વરસથી ટ્રાવેલ કરું છું, એની સાથે મારો ડિજિટલ માર્કેટિંગ નો Business પણ ચલાવું છું, ઘર પણ સાચવું છું.

You Might Also Like

Enter Your Comments Here..