શુક્રવારે સાંજે હું વેળાવદર બ્લેકબક નેશનલ પાર્કનો આર્ટિકલ વાંચતી હતી, હું ત્યાં બઉ પેહલા એક વાર ગઈ હતી તો મને થયું કાલે શનિવાર છે તો ત્યાં જ જઈ આવું. મારે સુરજ દાદા ને ત્યાંથી ઉગતા જોવા હતા એટલે સવારે 4 વાગે વડોદરાથી હું અને મારી હેરિયર વેળાવદર જવા નીકળ્યા, વડોદરાથી 180kms દૂર, ભાવનગરથી નજીક, ભાલ પ્રદેશમાં આવેલું આ ભારતનું એકમાત્ર કાળિયારના સંરક્ષણ માટે બનેલું નેશનલ પાર્ક છે. અહીંયા કાળિયાર, નીલગાય, વરુ, જંગલી બિલાડી અને બીજા અમુક પ્રાણીઓ જોવા મળે છે. પક્ષીઓમાં અહીંયા હેરિયર, ઇગલ, તેતર, ઘણી જાતની ચકલીઓ અને બીજા ઘણાં પક્ષીઓ જોવા મળે છે. હું 7.15 એ ત્યાં પહોંચી ગઈ અને વહેલી સવારની પેહલી જીપ્સી મેં વિશાલ ભાઈ ટુર ગાઇડ સાથે બુક કરાવી હતી. એ મારી રાહ જોઇને ત્યાં ઉભા જ હતા અને અમે ફરવાનું શરૂ કર્યું, મારો ત્યાંનો અનુભવ કંઈક આવો રહ્યો,
* ઉગતા સુરજદાદાના કિરણો જોઈને મેં મારી અધૂરી ઊંઘની સુસ્તી ઉડાડી દીધી અને સૂરજદાદા ને કીધું કે મારે તમને બધી જગ્યાએથી ઉગતા જોવાના છે એટલે આમજ વહેલી સવારે ઉઠવાની પ્રેરણા આપતા રેહજો,
* મેં કોઈક ધાર્મિક પુસ્તકમાં વાંચ્યું હતું કે કાળિયારને પુરાણોમાં ચંદ્રદેવ અને વાયુદેવનું વાહન ગણવામાં આવતું હતું, નેશનલ પાર્કમાં પ્રવેશતા જ કાળિયારને એક મોટા ગ્રુપમાં સાથે ચાલતા જોયા અને તેને પણ પ્રણામ કર્યું,
* વિશાલ ભાઈએ જીપ્સી ચલાવતા ચલાવતા નેશનલ પાર્કની ડિટેઇલ્સ, કાળિયારના જીવનની વાતો, અહિયાંના લોકોની વાતો, અહીંયા જોવા મળતા બીજા પશુઓની માહિતી, પક્ષીઓની માહિતી અને બીજું જાણવા જેવું બધું જ મને સમજાવ્યું,
* પછી તો રસ્તા ની મજા માણતા માણતા ઘણા બધા પક્ષીઓ વિશાલભાઈ એનું મહત્વ સમજાવતા સમજાવતા નરી આંખે અને એમના દૂરબીનથી બતાડયા. હેરિયર પક્ષી દેખાતા જ એમને મને કીધું જોવો મેડમ તમારી પાસે જે નામ ની કાર છે એ આ પક્ષી હેરિયર અહીંયા ખૂબ મોટી સંખ્યામાં જોવા મળે છે. વિશાલ ભાઈ 7 વરસથી અહીંયા ગાઇડ તરીકે છે અને એમને વાઈલ્ડ લાઈફ અને બર્ડિંગનું નોલેજ સખત છે, મને ઘણું નવુ જાણવા મળ્યું, અમે બીજી ઘણી બીજા નેશનલ પાર્કની વાતો કરી.
* કાળિયાર સૌથી ફાસ્ટ દોડતું ભારતીય પ્રાણી છે, એક કલાકમાં 80kms ની સ્પીડથી દોડી શકે છે, મેં કાળિયારને ચાલતા, દોડતા, કૂદતાં, પોતાનો જીવ બચાવતા અને ફાઇટ કરતા પણ જોયા.
* કાળિયાર સિવાય મેં બે વખત વરુ પણ જોયા, વરુને જોઈને કાળિયાર ની દોડાદોડી જોવાની મજા આવી,
* ત્યાં અંદર એક મ્યુઝિયમ છે એમાં વિશાલ ભાઈએ કેવી રીતે ભાવનગરના રાજાએ આ નેશનલ પાર્ક બનાવ્યો છે એની માહિતી આપી અને મ્યુઝિયમ જોયું,
* બે વોચ ટાવરમાંથી નેશનલ પાર્કનો વ્યૂ જોયો, શાંતિથી સવારનો ઠંડો ઠંડો પવન ખાધો,
* આ નેશનલ પાર્કમાં એક બાજુ ગ્રાસલેન્ડ અને બીજી બાજુ વેટલેન્ડ છે, વચ્ચે રોડ છે. ગ્રાસલેન્ડમાં સોનેરી ઘાસ છે કે સોનુ છે એ જ ના ખબર પડે અને વેટલેન્ડમાં મસ્ત તળાવ છે, અમે પહેલા ગ્રાસલેન્ડ અને પછી વેટલેન્ડમાં ફર્યા,
* વિશાલભાઈએ જીપ્સી ની એકદમ અચાનક બ્રેક મારી, એ નીચે ઉતર્યા અને ત્યાં કોઈ કચરાફેંકૂ એ પ્લાસ્ટિક ફેંક્યું હતું એ દોડીને લઇ આવ્યા અને ગાડીમાં મૂકી દીધું, આ વાતથી મને એમના માટે માન વધી ગયું,
* અહીંયા ગુજરાતીઓ સિવાય બીજા રાજ્યનાં લોકો અને ફોરેનર ઘણાં આવે છે, ભાવનગરથી આટલું નજીક હોવા છતાં ભાવનગર વાળા તો સૌથી ઓછા આવે છે આ વાત જાણીને મને દુઃખ થયું.
* અહીંયા રેહવા માટેની વ્યવસ્થા પણ છે અને આજુ બાજુ બીજા 2 રિસોર્ટ પણ છે.
મને તો અહીંયા એકદમ મજા આવી ગઈ હતી, તમે પણ એકવાર કાળિયારનો સુપર જમ્પ જોઈ જ આવો. સાથે સાથે જંગલ સફારીની મજા, પક્ષીઓ જોજો, કુદરતને નિહાળજો, તળાવ પાસે શાંતિથી બેસજો, ગ્રાસલેન્ડ ની સુંદરતા નિહાળજો, ભાલના લોકોની મહેમાનગતિનો અનુભવ કરજો, થોડા ફોટા પાડજો અને બધું ટેન્શન ગેટની બહાર મૂકીને નેશનલ પાર્કને મન મુકીને માણજો.
ખાસ નોંધ: આ ઘાસમાં શું જોવાનું, આ પક્ષીઓમાં શું જોવાનું, આટલું દૂર આ ઘાસ જોવા આવ્યા, આવું તળાવ તો આપડી ત્યાં પણ છે, આ પક્ષીઓ તો મેં જોયેલા જ છે, અહીંયા જોવા જેવું શું હતું- આવી માનસિકતાથી પીડાતા લોકોએ ઘરે બેસીને સ્ટાર પ્લસ પર આવતી બયરાશ સિરિયલો જોવી અને અહીંયા જવાનું કષ્ટ ના લેવું. વિશાલ ભાઈ કેહતા હતા કે કાળિયારને કચરાફેકું લોકોથી નફરત છે તો તમે ધ્યાન રાખજો.
આ દરમ્યાન વિશાલ ભાઈએ મને એમના ઘરે જમવા માટે આમંત્રણ આપ્યું હતું અને મેં તો તરત જ હા પાડી દીધી હતી, એ અનુભવ બીજી પોસ્ટ માં શેર કરું છું.
તમે જવાનો પ્લાન બનાવો અને તમારે વિશાલભાઈ નો કોન્ટેક્ટ કરવો હોય તો આ એમનો નંબર છે- +919265000528
ફોટા- Click Here
વિડિઓ સ્ટોરીઝ – Click Here
આવી જ બીજી હરવા ફરવાની વાતો કરતી રહીશ.
ખૂબ પ્રેમ સાથે,
પંક્તિ