હું કાલે વેળાવદર નેશનલ પાર્કમાં ગઈ હતી, ત્યાં મારા ગાઇડ હતા વિશાલ ભાઈ. અમે જ્યારે જીપ્સીમાં ફરતાં હતા ત્યારે એમને જમવાના ટાઈમે મને પૂછ્યું કે મેડમ તમે મારા ઘરે જમવા આવશો અને મેં તો તરત જ હા પાડી દીધી પછી એમને એમના ઘરે ફોન કર્યો કે હું એમના ઘરે જમવા આવાની છું. અમે નેશનલ પાર્ક ફરીને એમના ઘરે ગયા અને મારો અનુભવ કંઈક આવો રહ્યો,

* વેળાવદર ગામમાં હનુમાનજી મંદિરની બાજુમાં એમનું ઘર છે, હનુમાન દાદાને પ્રણામ કરી એમના ઘરે ગઈ તો ત્યાં અંદર જતા જ ભેંસ બાંધેલી જોઈ, એને વહાલ કરીને અંદર ગઇ. બધા દરવાજા પાસે ઉભા હતા, વિશાલ ભાઈએ એમના બા, પપ્પા, મમ્મી, ભાઈ ભાભી, બહેન, ભત્રીજા ભત્રીજી સાથે ઓળખાણ કરાવી, મેં બધા ને પ્રણામ કર્યા,

* મેં હાથપગ મોઢું ધોયા અને પછી શિવ ( ભત્રીજો) ને રમાડતા રમાડતા બધા સાથે વાતો કરી, ભાભી, માસી અને દીદી જમવાનું તૈયાર કરતા હતા.

* એમના ઘરે ભાભીએ અને દીદીએ ખૂબ સરસ તોરણ અને શોપીસ બનાવ્યા હતાં એ મેં ધ્યાનથી જોયા અને વિચાર્યું કે કોઈ કલાસ કર્યા વગર આ આવડત કેવી રીતે કેળવતા હશે,

* જમવાનું બધું તૈયાર હતું, અમે જમવા બેઠા. રોટલા, રોટલી, સેવ ટામેટાનું શાક, સરગવા બટેકાનું શાક, દાળ, ભાત, પાપડ, તાજું બનેલું માખણ, છાસ, ગોળ, પાપડ અને લાડું. આટલું બધું હોવા છતાં ભાભીએ કીધું આતો અડધો કલાકમાં બનાવ્યું એટલે ઓછું છે નહીતો પેહલા ખબર હોત તો વધારે સારું બનાવતા. જમવામાં પીરસાયેલા પ્રેમ માણતા માણતા જમવામાં સ્વાદ કેવો છે એ અનુભવ જ કરતા ભુલાઈ ગયું. મારા મગજમાં એક જ વાત ચાલતી હતી કે આટલી સાદગી, સહજતાં, સંતોષ અને પ્રેમ ક્યાંથી આવતો હશે. બધા કેહતા રહ્યા કે પેટ ભરીને ખાજો અને મેં કીધું હું જરાય શરમાતી નથી એટલે તમે ચિંતા ના કરો. જમીને એમને ઘરે બનાવેલો મુખવાસ ખવડાવ્યો.

* મારે વિશાલનો વેળાવદર નેશનલ પાર્ક વિશે ઇન્ટરવ્યૂ લેવાનો હતો, ત્યાં મેં ઇન્ટરવ્યૂ શૂટ કર્યો અને પછી અહીંયા ની ખેતી, જીવન, વાંચન અને એના સપનાઓ વિશે વાત કરી. અહીંયા ફોરેન ટુરિસ્ટ આવતા હોવાથી વિશાલ યુટ્યુબ માં વીડિયો જોઈને અંગ્રેજી કેવી રીતે શીખે છે એની ચર્ચા કરી, આ પરથી સમજાય છે કે જેને શીખવું જ હોય એ કોઈ પણ બહાના વગર શીખી શકે છે,

* મેં કીધું ચલો આપડે બધા એક ફોટો પડાવીએ એની હું તમને ફ્રેમ કરાવીને મોકલીશ, તો ભાભી અને માસી શરમાઈ ને રૂમમાં જતા રહ્યા, હું સમજાવીને બહાર લઈ આવી અને આ મસ્ત યાદ ફોટામાં કેપ્ચર કરી.

* મેં ભાભી અને દીદી ને કીધું તમે તોરણ સરસ બનાવ્યું છે તો એમને તો મને તરત જ તોરણ અને બીજા બે શોપીસ ઉતારીને આપી દીધા અને કીધું બીજા પણ જે ગમે એ લઈ જાઓ, મેં સહજતા થી અને પ્રેમથી આપેલી આ ભેટ સ્વીકારી લીધી. ભાભીએ કીધું બીજા જોઈએ તો કહેજો હું બનાવીને મોકલીશ,

* પછી મારો જવાનો ટાઈમ થયો, બધાએ એક જ વાત કરી તમે પાછા ક્યારે આવશો અને ફરી રોકાવાય એવું આવજો, મેં કીધું જરૂર આવીશ અને વિશાલ ના લગનમાં પણ આવાનો પ્રયત્ન કરીશ,

આવી હતી મારી વિશાલ ભાઈના ઘરની મુલાકાત. જ્યાં પ્રેમ અને સ્નેહની નદી વહેતી હતી, ઘરના બાંધકામ કરતા સંબંધ વધારે મજબૂત હતા, જમવાનું બનાવાની સ્પીડ જબરદસ્ત હતી, સંતોષ બધાના મોઢા પર છલકાતો હતો, બધા હળીમળીને કામ કરતા હતા અને કળિયુગ હજી ગામડામાં ઘૂસ્યો નથી એવી મને અનુભૂતિ થઈ હતી. આ હતો મારો કાલનો માસ્ટરપીસ અનુભવ જે ક્યારેય નઈ ભુલાય.

વિશાલ ભાઈ એ મને કીધું હું 7 વરસથી ગાઇડ છું પણ પેહલી વાર કોઈ ગેસ્ટને ઘરે જમવા બોલાવ્યા, તો મેં એમને કીધું તમારે આવી રીતે કોઈની ઈચ્છા હોય તો જમાડી શકાય અને તમને થોડી આર્થિક મદદ પણ થઈ જાય તો એમને કીધું હવે કોઈ કેહશે તો કરીશુ.

ખાસ નોંધ: જ્યાં જઈએ ત્યાંના જેવા જ થઈ જઈએ તો મજા આવે એટલે જ્યારે આવી ગામડાની વિઝિટ કરો ત્યારે આપડા સિટીવેડા બાજુમાં મૂકીને ત્યાં જેવા જ બની જવાનું તો આપણને અને જેના ઘરે ગયા હોઈએ એ બધાને મજા આવે.

હું થોડી ઇમોશનલ થઈને ગાડી પાસે પહોંચી ત્યાં મેં જોયું કાચ પર અને ગાડી પર કોઈએ સીતારામ સીતારામ લખી દીધું હતું, આ જોઈને મારા મોંઢા પર સ્માઈલ આવી ગઈ.

તમે જવાનો પ્લાન બનાવો અને તમારે વિશાલભાઈ નો કોન્ટેક્ટ કરવો હોય તો આ એમનો નંબર છે- +919265000528

ફોટા- Click Here

વિડિઓ સ્ટોરીઝ – Click Here

આવી જ બીજી હરવા ફરવાની વાતો કરતી રહીશ.

ખૂબ પ્રેમ સાથે,
પંક્તિ

Pankti Shah - Author

ફરવું બધાને જ લગભગ ગમતું હોય છે, પણ બધા ફરી ના શકે એવું એમને લાગતું હોય છે. એવું ઘણીવાર મેં સાંભળ્યું છે કે હું નસીબદાર છું કે હું ફરી શકું છું. પણ નસીબ અને ફરવાને કઈ લાગતું વળગતું નથી. જો આપડે ખરેખર ફરવું જ હોય તો રસ્તા નીકડી જ જાય, અને ટ્રાવેલ કરવા માટે તમે જે કરતા હોય એ છોડવાની પણ જરૂર નથી. તમે કામ ની સાથે સાથે ફરી શકો છો. હું 6 વરસથી ટ્રાવેલ કરું છું, એની સાથે મારો ડિજિટલ માર્કેટિંગ નો Business પણ ચલાવું છું, ઘર પણ સાચવું છું.

You Might Also Like

Enter Your Comments Here..